રાજસ્થાનના શિરોહી જિલ્લામાં આવેલા આબુરોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કિવરલી ગામ પાસે હાઇવે પર એક લોડિંગ ટેમ્પો સ્ટેયરીંગ પરથી કાબૂ ગુમાવતા પલટી માર્યો હતો. જેમાં એક યુવકનું મોત નિપજ્યું હતું તો 17 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જેમાં મહિલાઓ પણ સવાર હતી.
મળતી માહિતી મુજબ, એક અઠવાડિયા પહેલાં ગુજરાતના ઈડરથી 20થી 22 લોકો આબુની પરિક્રમા કરવા આવ્યા હતા. જ્યારે આજે તેમની પરિક્રમા પૂર્ણ થઈ સરૂપગંજ જોડે આવેલા ઈસરા પાસે વાસ્થાનજી મહાદેવના દર્શન કરી પરત ઈડર જવા નીકળ્યા હતા. ત્યારે આજે ગુરુવારના દિવસે લગભગ ચાર વાગે કિવરલી નજીક નેશનલ હાઈવે પર ટેમ્પોમાં ખરાબી થતા સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા ટેમ્પો પલટી મારી ગયો હતો.
અકસ્માતની જાણ થતાં આજુબાજુના લોકો ઘટનાસ્થળે આવી પહોચ્યા હતા. ત્યારે આ અકસ્માતની જાણ આબુરોડ સદર પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસે ઈમરજન્સી 108 મારફતે ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડ્યા હતા.
આ અકસ્માતમાં 17 ઇજાગ્રસ્તોમાંથી ચારની સ્થિતિ વધુ ગંભીર હોવાના લીધે તેમને આગળ રીફર કરવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં અનેકો અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને વધુ તપાસ હાથ ધરી હતી.