ગોધરા ખાતે સદ્દભાવનાના ઉલ્લાસભર્યા માહૌલમાં યોજાયેલ વિશાળ તિરંગા યાત્રામાં "હર હાથ મેં તિરંગા".!!

આઝાદી પર્વની ઉજવણીમાં પોલન બજાર ખાતે મુસ્લિમ સંપ્રદાય દ્વારા સ્વાગત કરાયું.....

પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા ખાતે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત યોજાયેલ તિરંગા યાત્રામાં સામેલ હજારો નાગરીકોના "હર હાથ મેં તિરંગા" યાત્રાએ સમગ્ર શહેરમાં ૭૫માં વર્ષના આઝાદી ના અમૃત મહોત્સવની ઉજવણીનો ઉલ્લાસ છલકાઈ જવા પામ્યો હતો. ગોધરા સ્થિત માર્કેટીંગ યાર્ડ ખાતેથી શરૂ થયેલ તિરંગા યાત્રાની ઉજવણી પ્રસંગની આ વિશાળ રેલીમાં ગુજરાત સરકારના રાજયમંત્રી શ્રીમતી નિમિષાબેન સુથાર, પંચમહાલના સાંસદ સભ્ય રતનસિંહ રાઠોડ, ધારાસભ્યો સી.કે.રાઉલજી, સુમનબેન ચૌહાણ સમેત ભા.જ.પ.ના પદાધિકારીઓ અને સર્વે સમાજના અગ્રણીઓ સાથેની અંદાઝે ૩ કી.મી. લાંબી આ તિરંગા યાત્રાનું શહેર મધ્યમાં આવેલ પોલન બજાર ખાતે મુસ્લિમ સમાજ દ્વારા દેશભક્તિના તાલે લહેરાતા તિરંગાઓ વચ્ચે દારૂખાનું ફોડીને ભવ્ય સ્વાગત કરતા આ સમગ્ર માહૌલ સદ્દભાવના તિરંગા યાત્રામાં ફેરવાઈ જવા પામ્યો હતો.!! ગોધરા ખાતે શહેરના મુખ્ય માર્ગો ઉપર નીકળેલ આજની હર હાથ મેં તિરંગા જેવી યોજાયેલ વિશાળ તિરંગા યાત્રામાં ગોધરાના ડી.વાય.એસ.પી.સી.સી.ખટાણા સમેત પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ પણ દેશભક્તિના અભૂતપૂર્વ માહૌલમાં હાથમાં તિરંગા સાથે સામેલ થયા હતા.અંદાઝે ૭ કી.મી.ના તિરંગા યાત્રાના આ માર્ગો ઉપર સેવાભાવીઓ દ્વારા પીવાના પાણી, શરબત અને નાસ્તાની પણ ઠેર ઠેર વ્યવસ્થાઓ કરવામાં આવી હતી.!! આ તિરંગા યાત્રા ગોધરા શહેરના મુખ્ય માર્ગો જેવા કે ચર્ચ , વિશ્વકર્મા ચોક, સાવલી વાડ, પટેલવાડા, રાની મસ્જિદ, પોલન બજાર, પોલીસ ચોકી નંબર-૭, ગીદવાણી રોડ, શહેરા ભાગોળ થઈને બાવાની મઢી પાસે આ યાત્રાનું સમાપન પોલીસ બેન્ડના તાલે રાષ્ટ્ર ગાન સાથે કરવામાં આવ્યું હતું.