પાવીજેતપુર તાલુકાના મોટી રાસલી સ્મશાનમાંથી લાશને લાવી પીએમ કરાવતા ગળુ દબાવીને મોત થયાનો રિપોર્ટ આવતા હત્યાનો ગુનો દાખલ
પાવીજેતપુર તાલુકાના મોટી રાસલી ગામે સ્મશાનમાંથી લાશને લાવી પેનલ પીએમ રિપોર્ટ કરાવતા, ગળુ દબાવીને મોત થયાનું બહાર આવતાં હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ પાવીજેતપુર તાલુકાના મોટી રાસલી ગામે સેજલબેન પ્રકાશભાઈ રાઠવા ઉંમર વર્ષ ૨૧ ના પિતાએ પોલીસ સ્ટેશનમાં દાદર ઉપરથી પડી જવાથી મોત થયું હોવાની જાહેરાત કરી હતી. સ્મશાનમાં અંતિમ ક્રિયા ચાલતી હતી તે સમયે સેજલબેનના કાકાએ કન્યાદાનની સોનાની બુટ્ટી કાનમાંથી કાઢવા જતા ગળા ઉપર કાળા નિશાન જણાતા, શંકા જતા પોલીસને જાણ કરતા પોલીસ તાત્કાલિક પહોંચી સ્મશાનમાંથી લાશને પાવીજેતપુર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લાવી પેનલ પીએમ કરાવવામાં આવ્યું હતું. જેનો રિપોર્ટ ૧૮ જૂન ના રોજ આવતા ગળું દબાવીને મોત થયુ હોવાનું બહાર આવ્યું હતું.
મૃતક સેજલ ના પિતા ભિમસિંગભાઈ રાઠવા ( રહે. કોહિવાવ )ને પોતાના જમાઈ પ્રકાશભાઈએ જણાવ્યું હતું કે સેજલનું દાદર ના ચોથા પગથિયા પરથી લપસી પડતા મોત થયું છે. તેમજ ગળા ઉપર પડેલા કાળા નિશાન અંગે ભિમસિંગભાઈએ જમાઈને પૂછ્યું હતું કે આ નિશાન સાના છે ? ત્યારે પ્રકાશભાઈ જણાવ્યું હતું કે તેઓની માતા નંદાબેન સાથે સેજલ તેઓના પાંચ માસના દીકરાને વાવરી હંકારવા માટે ઊંચાપાણ ગયા હતા ત્યારે છકડામાં બેઠા હતા તે સમયે છકડાના ટાયરમાં સેજલબેન નો સાડીનો છેડો આવી જવાના કારણે આ નિશાન થયેલ છે. સેજલબેન ના પિતા ભિમસીંગભાઇએ જમાઈ પ્રકાશભાઈની વાત ઉપર વિશ્વાસ રાખી અકસ્માત ગુનો નોંધાવ્યો હતો. પરંતુ પીએમ રિપોર્ટમાં ગળું દબાવવાથી મોત થયાનું બહાર આવતા, જમાઈ પ્રકાશભાઈ ઉપર ભીમસિંગભાઈએ દબાણ કરતા પ્રકાશભાઈએ આખી હકીકત જણાવી હતી.
પ્રકાશભાઈ ૧૫ જૂન ના રાત્રિના ૧૧:૩૦ વાગે ઘરે આવ્યા હતા તે સમયે પત્ની સેજલબેને તમે કેમ મોડા આવો છો અને અન્ય સ્ત્રી સાથેના આડા સંબંધો અંગે બોલાચાલી થઈ હતી. ત્યારે પ્રકાશભાઈએ ગુસ્સામાં આવી ગાલ ઉપર બે થી ત્રણ ધોલ મારી દેતા સેજલબેન બેહોશ થઈ ગયા હતા. ગુસ્સામાં આવેલ પ્રકાશભાઈએ સાડીથી ગળે ટુપો દઈ સેજલબેન ની હત્યા કરી હતી. હત્યા કર્યા બાદ બીક લાગતા તેઓએ સાડી વડે જે રૂમમાં સુતા હતા તે રૂમના પંખા ઉપર સેજલબેનની લાશને લટકાવી પોતે રાત્રે ૧:૦૦ વાગે ધાબા ઉપર સુવા મટે જતા રહ્યા હતા. સવારે પાંચ વાગ્યે માતા નંદાબેન નીચે આવી જોતા સેજલબેનની પંખે લટકતી લાશ જોઈ હતી. પતિ પ્રકાશભાઈ અલસીંગભાઇ રાઠવા, પ્રકાશભાઈ ની મમ્મી નંદાબેન અલસીંગભાઇ, પ્રકાશભાઈ ના બહેન બનેવી ઉર્મિલાબેન તથા સુરેશભાઈ નટવરભાઈ રાઠવા તમામ ( રહે. મોટી રાસલી, પાવીજેતપુર ) નાઓએ હકીકત છુપાવી સેજલબેન ના પિતા તેમજ પોલીસને ખોટી હકીકત જણાવી ગુમરાહ કર્યા હતા.
આમ, પાવીજેતપુર તાલુકાના મોટી રાસલી ગામે પતિએ પત્નીને ગળે સાડી વડે ટુંપો દઈ હત્યા કરી પંખે લટકાવી મોત નીપજાવતા પાવીજેતપુર પોલીસ સ્ટેશનમાં પતિ પ્રકાશભાઈ રાઠવા વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે તેમજ તેમના મમ્મી તેમજ બહેન, બનેવી વિરુદ્ધ પણ હકીકત છુપાવવાનો તેમજ ખોટી જાણકારી આપવાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.