રાજકોટમાં અગ્નિકાંડ થયા બાદ શાળાઓ ખુલતા પોલીસ તંત્ર દ્વારા સ્કૂલ વાન અને સ્કૂલ રિક્ષાઓ સામે કડકાઈથી કાર્યવાહી કરાતા ડીસામાં સ્કૂલવાન સંચાલકો દ્વારા નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી પોલીસ દ્વારા કરાતી ખોટી હેરાનગતિ બંધ કરવા રજૂઆત કરવામાં આવી હતી.
રાજકોટમાં ગેમ ઝોનમાં થયેલા અગ્નિકાંડ બાદ સરકાર દ્વારા ફાયર સેફ્ટીના મુદ્દાને લઇ એક્શન લેવામાં આવી રહ્યા છે. જેમાં હવે નાના બાળકોને સ્કૂલોએ લઈ જતી સ્કૂલ વાન અને સ્કૂલ રીક્ષામાં પણ સીએનજી કીટ હોવાથી ફાયર સેફ્ટીનો મુદ્દો અગત્યનો બન્યો છે. જેમાં પોલીસ હવે સ્કૂલ વાનની પરમીટ કયા પ્રકારની છે?, તેમની પાસે આરટીઓ રજીસ્ટ્રેશન, ફિટનેસ સર્ટી, વીમો, પીયુસી, લાઇસન્સ સહિતના કાગળો છે કે નહીં તેની બારીકાઈથી ચકાસણી કરી રહી હતી.
અનેક સ્કૂલ વાહનો ટેક્સી પરમિટની ન હોવાથી ખાનગી પરમિટની હોવાથી તેઓને હેરાનગતિ ભોગવવાનો વારો આવ્યો હતો. જેથી આજે ડીસાના સરદારબાગમાં સ્કૂલ વાન એસોસિએશન દ્વારા બેઠક યોજાઈ હતી. ત્યાર બાદ પોલીસ દ્વારા થતી ખોટી હેરાનગતિ સામે ડીસા નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, તમામ લોકોની રોજીરોટી આધાર સ્કૂલ વાન છે. તેઓને વેકેશન દરમિયાન કોઈ ધંધો રોજગાર મળતો નથી. તેમ જ તંત્ર કહે તે રીતે તેઓ ફાયર સેફ્ટી રાખી સ્કૂલ વાન ચલાવવા તૈયાર છે. જેથી પોલીસ દ્વારા થોડી મહેતલ આપી ખોટી હેરાનગતિ કરવાની બંધ કરાય તે જરૂરી છે.