ડીસા તાલુકાના ડાવસ ગામે જેટકો કંપની દ્વારા ખેડૂતોના ખેતરમાં વળતર આપ્યા વિના વીજથાંભલા ઉભા કરવાની કામગીરી હાથ ધરાતાં ખેડૂતોએ ભારે વિરોધ નોંધાવ્યો હતો. ત્યારે એક ખેડૂતે શનિવારે ઝેરી પ્રવાહી પીને જીવન ટૂંકાવાનો પ્રયાસ કરતાં ચકચાર મચી હતી.

શનિવારે ફરીથી જેટકો કંપનીના અધિકારીઓ ડાવસ ગામે પહોંચી ખેડૂતોના ખેતરમાં ખેડૂતોની મંજૂરી વિના થાંભલા નાખવાની કામગીરી હાથ ધરાતાં ખેડૂતોએ આક્રોશ વ્યક્ત કરી વિરોધ નોંધાવ્યો હતો. જ્યારે ખેડૂતોએ માંગ કરી હતી કે જે જગ્યા ઉપર વીજ થાંભલા નાખવામાં આવી રહ્યા છે એની બાજુમાં સરકાર જમીન છે તો જેટકો કંપની દ્વારા સરકારની જમીનમાં થાંભલા ઉભા કરવામાં આવે જેથી ખેડૂતોને થતું નુકસાન અટકાવી શકાય તેમ છે.

જેમાં એક ખેડૂતને લાગી આવતા ઝેરી પ્રવાહી પીને જીવન ટૂંકાવાનો પ્રયાસ કરાયો હતો. જોકે, આસપાસના ખેડૂતોએ 108 માં ડીસાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. ખેડૂતોના જણાવ્યા અનુસાર જેટકો કંપની મનમાની ચલાવી અને સરકારના પરિપત્રનો ઉલ્લેખ ન કરી મંજૂરી વિના થાંભલા ઉભા કરી રહી છે.

ડાવસ ગામે શનિવારે જેટકો કંપનીની મનમાની સામે ખેડૂતોએ વિરોધ નોંધાવી આંદોલન કરવાની ચિમકી સાથે પ્રાંત કચેરીમાં ધરણાં પર બેસી ગયા હતા.પ્રાંત હાજર ના હોઈ મામલતદારને આવેદનપત્ર આપી કલેકટર સમક્ષ રજૂઆત કરવા રવાના થયા હતા. ખેડૂતોએ માંગણી કરી કે ખેતરમાં થાંભલા નાંખવાની કામગીરી અટકાવી અને સરકારી જમીન પર થાંભલા ઉભા કરાય.