પંચમહાલ જિલ્લાના પ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ પર્વત ઉપર શક્તિ પીઠ મહાકાળી માતાના મંદિર સુધી જતાં દાદરાની બન્ને તરફ આવેલી હજારો વર્ષ જૂની જૈન તીર્થંકરોની પ્રતિમાઓને વિકાસના નામે તોડીને કચરામાં ફેંકી દેતા ભારે હોબાળો મચી ગયો છે. રવિવારે મોડી સાંજે મોટી સંખ્યામાં જૈનો પાવાગઢ પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા અને તોડફોડ રોકીને જવાબદારો સામે પગલાં લેવા માટે માગ કરી હતી.

આ જૈન તિર્થંકરોની પ્રાચીન પ્રતિમાઓને તાત્કાલીક જ્યાં હતી ત્યાં ફરીથી રિસ્ટોરેશન કરવામાં આવે તેવી જૈન સમાજ દ્વારા માંગણી કરવામાં આવી છે. રવિવારે રાતે જૈન સમાજના અગ્રણીઓ વડોદરાથી પાવાગઢ પોલીસ મથકે ફરિયાદ કરવા પહોચ્યાં હતાં. જ્યારે સોમવારના રોજ પાવાગઢની ઘટના બાદ વડોદરા, સુરત, અમદાવાદ સહિત દેશભરમાં મોટી સંખ્યામાં જૈનો વિરોધ પ્રદર્શન કરશે તેમ પણ જૈન અગ્રણીઓએ જણાવ્યું હતું.રવિવારે મોડી રાત્રે જૈનો મોટી સંખ્યામા પાવાગઢ પોલીસ સ્ટેશનમાં ઉમટી પડયા હતા અને આવેદનપત્ર આપ્યુ હતું ..

જેમાં ઉલ્લેખ કરાયો છે કે પાવાગઢમાં માતાજીના મંદિરના પગથિયાં પાસે આવેલી જૈન તીર્થંકરોની મૂર્તિઓ યોગ્ય સ્થાન પરથી અચાનક દૂર કરવામાં આવી છે. આ કૃત્ય માત્ર ધાર્મિક આસ્થાનો અનાદર કરતું નથી પરંતું ધામક પ્રથાઓ અને પૂજા સ્થળોના રક્ષણ માટે રચાયેલ બંધારણીય અને કાનૂની જોગવાઈઓનું પણ ઉલ્લંઘન કરે છે માટે અમે વહીવટીતંત્રના તાત્કાલિક હસ્તક્ષેપ માટે વિનંતી કરીએ છીએ.અમારી માગ છે કે તીર્થંકરની મૂતઓને તેમના યોગ્ય સ્થાને તાત્કાલિક અસરથી પુનઃસ્થાપિત કરો. આ અપમાનજનક કૃત્ય માટે મહાકાળી મંદિર ટ્રસ્ટના જવાબદાર ટ્રસ્ટીઓ સામે તાત્કાલિક કાનૂની પગલાં લો.જૈન સમાજના અગ્રણીઓના કહેવાથી જૈન તીર્થંકરોની પ્રતિમાઓને કાઢીને અમે એક તરફ મૂકી છે. આ પ્રતિમાઓને જૈન સમાજનો લોકોને આપી દેવાશે.