ડીસાના છત્રાલા ગામમાં 45 વર્ષિય યુવક ગુરુવારે વહેલી સવારે ખેતરથી ઘરે આવતો હતો. ત્યારે રસ્તામાં આખલાએ અડફેટમાં લેતાં આખલાનું શિંગડૂં સાથળમાં ઘૂસતાં ચિરાઇ ગઇ હતી. યુવકને ગંભીર હાલતમાં સારવાર અર્થે ખસેડાયો હતો.

ડીસા તાલુકાના છત્રાલા ગામના જયંતીભાઈ રાયચંદભાઈ રાવળ (ઉં.વ.45) ગુરુવારની વહેલી સવારે છ વાગ્યા આસપાસ ખેતરમાંથી ગામમાં આવતા હતા. તે સમય દરમિયાન રસ્તે રખડતા આખલાના અડફેટમાં આવતા તેમને બંને પગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેમાં એક પગમાં આખલાનું શિંગડૂં ઘૂસી જતાં સાથળ ચિરાઈ ગઈ હતી અને લોહીલુહાણ થઇ ગયા હતા.

 ભીલડી 108 ના ઇએમટી જગદીશ દવે તથા પાયલોટ રાજુભા વાઘેલા ઘટના સ્થળ પર પહોંચ્યા ત્યાં જઈને જોતા દર્દીના જમણા પગમાં બહુ ગંભીર ઇજા અને ડાબા પગમાં ફ્રેક્ચર થયેલું અને જરૂરી ઇન્જેક્શન, સારવાર આપીને ભીલડી સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે ખસેડાયા હતા. જેમાં વધુ સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં દર્દીને ખસેડવામાં આવ્યા હતા અને ત્યાંથી ડીસા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.