દિયોદર પંથકમાં બે વર્ષ અગાઉ સગીરા સાથે રાત્રિના સમયે ફૂવાએ દુષ્કર્મ આચરી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે સગીરાએ દિયોદર પોલીસે ફરિયાદ નોંધાવી હતી. જે અંગેનો કેસ મંગળવારે દિયોદરની કોર્ટમાં ચાલી જતાં ફૂવાને 10 વર્ષની કેદ અને 7000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.

આ અંગે મળતી માહિતી મુજબ, દિયોદર પંથકમાં બે વર્ષ અગાઉ 13 વર્ષીય સગીરાને તેમના ભાગે રાખેલ ખેતરમાં એરંડા વિણવા આવેલા 63 વર્ષીય ફૂવાએ સગીરાની સાથે રાત્રિના સમયમાં દુષ્કર્મ આચરી મારી નાખવાની ધમકી આપી હતી.આ બનાવને લઈ સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો હતો.

આ બનાવ અંગે ભોગ બનનાર સગીરાએ 30 માર્ચ-2022 ના રોજ દિયોદર પોલીસ મથકે તેણીના ફૂવા મોબતાજી ખાનાજી ઠાકોર (રહે.ખારા,તા.ભાભર) સામે ગુનો નોંધાવતા પોલીસે પોસ્કો એક્ટ મુજબ દુષ્કર્મની ફરિયાદ નોંધી ફૂવાની ધરપકડ કરી હતી.

જે અંગેનો કેસ દિયોદર એડિશનલ સેશન્સ જજ આર.આર.દવેની કોર્ટમાં શુક્રવારે ચાલી જતાં સરકારી વકીલ ડી.વી.ઠાકોરની દલીલો ગ્રાહ્ય રાખી ન્યાયાધીશ દ્વારા આ ગુનાના આરોપીને અલગ-અલગ કલમો અંતર્ગત 10 વર્ષની કેદ અને 7000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.સજા સાંભળી ફૂવો ચોકી ઉઠ્યો હતો.