બનાસકાંઠાનું સૌથી મોટું માર્કેટયાર્ડ ડીસામાં હોવાના કારણે જિલ્લાભરના ખેડૂતો ડીસા માર્કેટયાર્ડમાં વેચાણ અર્થે આવે છે. બનાસકાંઠાના ખેડૂતો હવે ઉનાળામાં પણ મગફળીનું વાવેતર કરી બમ્પર ઉત્પાદન મેળવે છે. ચાલુ સાલે ઉનાળામાં અનુકૂળ હવામાનના કારણે મગફળીનું ઉત્પાદન ખુબજ સારુ થયું હતું અને જેના કારણે હાલ ડીસાનું માર્કેટયાર્ડ મગફળીથી ઉભરાઈ રહ્યું છે.

હાલ સારા ભાવના કારણે ખેડૂતો મગફળીનો સંગ્રહ કરવાની જગ્યાએ વેચવાનું વધુ પસંદ કરે છે. જેના કારણે માર્કેટયાર્ડમાં રોજે 40 હજાર બોરીથી વધુની આવક થઈ રહી છે. જેમાં સોમવારે એક જ દિવસમાં 40,596 તો મંગળવારે 44,440 બોરીની આવક નોંધાઈ હતી.

ડીસા માર્કેટયાર્ડ "ખુલ્લી હરાજી, ખરું તોલ અને રોકડા નાણાં"ની સહકાર ભાવનાથી ચાલતું હોવાના કારણે ખુલ્લી હરાજીમાં સારી મગફળીનો ભાવ પ્રતિ મણ રૂ. 1100 થી 1401 નો મળ્યો હતો. તો સરેરાશ ભાવ રૂ. 1300 પ્રતિ મણનો રહ્યો હતો.

જો કે, હાલનો ભાવ ખેડૂતો માટે પોષણક્ષમ ભાવ છે. જે આખી સિઝન જળવાઈ રહે તો ખેડૂતોને ફાયદો થઈ શકે તેમ છે. બનાસકાંઠામાં ખેડૂતો ઉનાળામાં પણ મગફળીનું બમ્પર વાવેતર કરતા અને સારા હવામાનના કારણે પણ ઉત્પાદન સારુ થતાં માર્કેટયાર્ડ ઉભરાઈ રહ્યું છે. જેના કારણે આવક બમ્પર રહે છે.