PM મોદીના માતા હીરાબાએ હર ઘર તિંરગા અભિયાનની ઉજવણી કરી
હીરાબાએ ગાંધીનગરમાં બાળકોને તિરંગા વહેંચ્યા અને રાષ્ટ્ર ધ્વજ લહેરાવ્યો
વડાપ્રધાન મોદીએ હર ઘર તિરંગા અભિયાનમાં લોકોને દેશભરમાં ઘરે-ઘરે તિરંગો લહેરાવવાનું કહ્યું છે
હાલમાં સમગ્ર દેશમાં આઝાદીના 75 વર્ષના ઉપક્રમે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હર ઘર તિરંગાની અપીલ કરી છે. લોકો પોતાના ઘરે તિરંગો લહેરાવી રહ્યા છે. તેવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાએ પણ આ ઉત્સવની ઉજવણીમાં ભાગ લીધો છે. વડાપ્રધાન મોદીના માતા હીરાબાએ ગાંધીનગર ખાતે બાળકોને તિરંગા આપ્યા હતા. નોંધનીય છે કે હીરાબા 18 જૂને 100માં વર્ષમાં પ્રવેશ કર્યો હતો. હાલમાં તેઓ રાયસણ ગામ ખાતે વડાપ્રધાન મોદીના મોટા ભાઈ પંકજ મોદીના ઘરે રહે છે.
ભાજપના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારે 'આઝાદી કા અમૃત મહોત્સવ' અંતર્ગત 'હર ઘર તિરંગા' અભિયાનની શરૂઆત કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 13 ઓગસ્ટથી 15 ઓગસ્ટ દરમિયાન પ્રત્યેક ઘરે તિરંગો લહેરાવવાનું કહ્યું હતું. દેશની તમામ સરકારી કચેરીઓ સહિત ઘર અને ઓફિસો પર લોકો તિરંગો લહેરાવી રહ્યા છે. આ ઉપરાંત વડાપ્રધાન મોદીએ લોકોને પોતાના સોશિયલ મીડિયાના ડીપીમાં પણ તિરંગાનું પિક્ચર રાખવાનું પણ કહ્યું હતું.
ભારતની આઝાદીના 75 વર્ષ નિમિત્તે આઝાદી કા અમૃત મહોત્સવ ચલાવવામાં આવી રહ્યો છે. અગાઉ બુધવારે વડાપ્રધાન મોદીએ વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા સુરતમાં તિરંગા રેલીને સંબોધિત કરી હતી. આ પ્રસંગે તેમણે તેમણે કહ્યું હતું કે ટૂંક સમયમાં જ ભારત તેની આઝાદીના 75 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે આપણે બધા આ ઐતિહાસિક સ્વતંત્રતા દિવસની તૈયારી કરી રહ્યા છીએ કારણ કે દેશના ખૂણે-ખૂણે ત્રિરંગો લહેરાયો છે.