પ્રાકૃતિક કૃષિના વ્યાપમાં વધારો થાય અને વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ વળે તે હેતુસર રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતના માર્ગદર્શન હેઠળ પ્રાકૃતિક કૃષિ અપનાવવામાં ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતો પણ અગ્રેસર છે. જિલ્લામાં પ્રાકૃતિક ખેતીની સાથે સાથે એફપીઓ અને મોડેલ ફાર્મથી પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોના વેચાણને પણ વેગ મળ્યો છે. એફપીઓ તેમજ મોડેલ ફાર્મ દ્વારા મુંબઈ, સુરત, અમદાવાદ વગેરે જેવા મેગા સીટીમાં ઉત્પાદનનું સીધું વેચાણ કરી ખેડૂતો આર્થિક રીતે સંપન્ન થઈ રહ્યાં છે.

જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોના ૩૦૦ થી ૩૫૦ સભ્ય ધરાવતા ત્રણ ખેડૂત ઉત્પાદક સંગઠન(FPO)ની રચના કરવામાં આવી છે. જેમના દ્વારા કોડિનાર, ઉના અને ગીરગઢડા તાલુકા કક્ષાએથી વેચાણ કેન્દ્ર દ્વારા પ્રાકૃતિક કૃષિ ખેતઉત્પાદનોનું વેચાણ કરવામાં આવે છે. આ ઉપરાંત વેરાવળ ખાતે ગૌ યૌગ સ્વદેશી મોલ દ્વારા ગૌ આધારિત વિવિધ ઉત્પાદનોના વેચાણનો લાભ મળી રહ્યો છે. 

પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોનો વ્યાપ વધે તે માટે સુગર ફેક્ટરી રોડ, ગાયત્રી મંદિરની બાજુમાં કે.એસ (કોડીનાર અને સુત્રાપાડા) SPNF પ્રોડ્યુસર કંપની લી. ગીરગઢડામાં પ્રિઝમ કોમ્પ્લેક્સ તેમજ ઉનામાં સોરઠ ડેરીની બાજુમાં બાપા સીતારામ મઢુલી સામે યુ.જી.(ઉના અને ગીરગઢડા) SPNF પ્રોડ્યુસર કંપની લી. દ્વારા પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોનું વેચાણ થઈ રહ્યું છે.

વિવિધ એફપીઓ અને મોડેલ ફાર્મ દ્વારા જિલ્લામાં ગીર ગાયનું ઘી, ગોળ, કેસર કેરી, કેસર કેરીના મૂલ્યવર્ધન દ્વારા રસ/પલ્પ વગેરે, મગફળીનું તેલ, તલનુંતેલ, વિવિધ કઠોળ, બાજરી, જુવાર, રાગીવગેરે મિલેટ્સ પાક, ઘઉં, હળદર પાઉડર, પ્રાકૃતિક ખેતી દ્વારા ઉત્પાદિત વિવિધ શાકભાજી તેમજ મૂલ્યવર્ધન દ્વારા થતાં ઉત્પાદનોના વેચાણ થકી ખેડૂતો પણ સારૂ આર્થિક ઉપાર્જન મેળવતાં થયાં છે.

ઉપરાંત વેરાવળમાં ટાવરચોક ખાતે રુદ્રાક્ષ કોમ્પ્લેક્ષમાં ગૌ યોગકેન્દ્ર સ્વદેશી મોલ કાર્યરત છે. જ્યાં ગૌ આધારિત વિવિધ ઉત્પાદનોનું વેચાણ કરવામાં આવે છે. આમ જિલ્લામાં FPO અને વિવિધ મોડેલ ફાર્મ દ્વારા લોકો વિવિધ પ્રાકૃતિક ખેત ઉત્પાદનોનો લાભ લઈ રહ્યાં છે.