પાવીજેતપુર તાલુકાના ડેરીયા ગામના બસ સ્ટેન્ડ પાસેના વળાંક ઉપરથી ફરી એકવાર આઇસર ટેમ્પો પલટી ખાધો
ડેરીયાના વળાંક ઉપર બમ્પ તેમજ રેલિંગ લગાડવાની ગામ લોકોની માંગ
પાવીજેતપુર તાલુકાના ડેરીયા ગામના બસ સ્ટેન્ડ નજીક આવેલ વળાંક ઉપર ફરી એકવાર આઇસર ટેમ્પો પલટી ખાધો છે. આ વળાંક ઉપર બમ્પ તેમજ રોડની બાજુએ રેલિંગ લગાડવાની લોકો માંગ કરી રહ્યા છે.
પ્રાપ્ત માહિતી મુજબ છક્તલ્લા થી એક ટેમ્પો સેન્ટીંગના લોખંડના ટેકા ભરીને અમદાવાદ તરફ જઈ રહ્યો હતો પાવીજેતપુર તાલુકાના ડેરીયા ગામના બસ સ્ટેન્ડ નજીક આવેલ વળાંક ઉપર રાત્રિના સમયે ટેમ્પાચાલકનો સ્ટેરીંગ ઉપરનો કાબુ ગુમાવી દેતા ટેમ્પો ઊંધો પડી જવા પામ્યો હતો. સદનશીબે કોઈને જાનહાની કે કોઈ મોટું નુકસાન થવા પામ્યું ન હતું. પરંતુ આ રોડ ઉપરથી અન્ય કોઈ પસાર થતું હોય અને આવી કોઈ ઘટના ઘટે તો જાન જવાનું પણ જોખમ છે.
પાવીજેતપુર તાલુકાના ડેરીયા ગામ પાસે આવેલા આ વળાંક ઉપર થોડાક દિવસ ઉપર એક પીકપ ગાડી પલટી ખાઈ ગઈ હતી જેમાં બેઠેલા લોકોને ઘણું વાગ્યું હતું અને ડ્રાઇવરનું સારવાર દરમિયાન કરુણ મોત થયું હતું. ત્યારે ફરીથી ગત મોડી રાત્રે એક આઇસર ટેમ્પો પલટી ખાઈ જવા પામ્યો છે. અવારનવાર આ વળાંક ઉપર બાઇકો તેમજ ફોરવ્હીલરો પલટી ખાઈ જવાના બનાવો બન્યા કરે છે ત્યારે તંત્ર આ વળાંકની બંને બાજુએ બમ્પ મૂકે તેમજ રોડની બાજુએ જે ખુલ્લી જગ્યા છે ત્યાં રેલિંગ બનાવી દે તેથી અકસ્માતનો ભય ઓછો થઈ શકે, માટે આ વળાંક ઉપર બમ્પ તેમજ રેલિંગની બુલંદ માંગ ડેરીયા ગામના રહીશો કરી રહ્યા છે.