ડીસામાં શનિવારે હોટલો, નાસ્તા ગૃહો, પાર્લરોના વેપારીઓને ત્યાં આરોગ્ય વિભાગ અને નગરપાલિકાની સંયુક્ત 11 ટીમો દ્વારા 300 થી વધુ સ્થળોએ તપાસ હાથ ધરી હતી. જેમાં અખાદ્ય ચીજવસ્તુઓ મળી આવતા વેપારીઓ પાસેથી રૂ. 41 હજારનો દંડ અને નોટીસ ફટકારી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
ડીસા શહેરમાં રોગચાળો ન ફેલાય તે હેતુથી તેમજ અખાદ્ય, ઠંડા-પીણા સહિતની ચીજવસ્તુઓના વેચાણના કારણે લોકો બીમારીમાં ન સપડાય તેની તકેદારીના ભાગરૂપે ડીસા નગરપાલિકા, આરોગ્ય વિભાગે શનિવારે પોલીસને સાથે રાખી સંયુક્ત રીતે અલગ-અલગ 11 વોર્ડમાં 11 ટીમોએ હોટલો, રેસ્ટોરન્ટ, ઠંડા પીણા, ફરસાણ, નાસ્તાની લારીઓ, મીઠાઈની દુકાનો, પાર્લર સહિત તમામ જગ્યાએ તપાસ કરી હતી.
જેમાં કેટલીક જગ્યાએ ડેરીમાં વેચતા દૂધમાં જીવજંતુઓ, ફરસાણની દુકાનમાં બહુ દિવસથી પડેલ ખાદ્યવસ્તુઓ, વારંવાર ફરસાણ તળતા બળેલું તેલ, એક્સપાયરી ડેટવાળી ચીજવસ્તુઓનું વેચાણ કરતા હોવાનું સામે આવ્યું હતું.
આરોગ્ય વિભાગની તપાસ દરમિયાન મોટાભાગની દુકાનોમાં લાઇસન્સ પણ જોવા મળ્યા ન હતા. જેથી અખાદ્ય ચીજવસ્તુઓનું વેચાણ કરતા વેપારીઓને તંત્રની ટીમોએ રૂપિયા 500 થી 5000 રૂપિયા સુધીનો રૂ. 41,200નો દંડ ફટકાર્યો હતો. તેમજ લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા વેપારીઓને નોટિસ ફટકારી કડક કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગે ડીસા તાલુકા હેલ્થ ઓફિસર પી.એમ.ચૌધરીએ જણાવ્યું હતું કે, ડીસામાં વહેલી સવારથી તંત્રની ટીમોએ અંદાજિત 300 જેટલા સ્થળો પર તપાસ હાથ ધરી હતી અને અખાદ્ય ચીજવસ્તુઓનો જથ્થો ઝડપી પાડ્યો હતો. તેમજ વેપારીઓ ફરીવાર આવી ચીજવસ્તુઓ ન વેચે તે માટેની કાર્યવાહી હાથ ધરી હતી.