ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટાફે શુક્રવારે પેટ્રોલીંગ દરમિયાન બાતમીના આધારે રિશાલા બજાર પાસેથી એક શખસને ધાનેરામાં કેટરિંગના ગોડાઉનમાંથી ચોરેલા સામાન સાથે ઝડપી લીધો હતો. જેની પાસેથી રૂ.46900 નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો.

ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટાફ શુક્રવારે ચોકી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી કે, રિશાલા બજાર પાસે એક શખસ શંકાસ્પદ રસોડાના વાસણોનું વેચાણ કરવા આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે તેને વિશ્વાસમાં લઇ તેની પૂછપરછ કરતા ધાનેરા પુલ પરથી બજારમાં જવાના રસ્તે આવેલા કેટરિંગના ગોડાઉનમાંથી ગોડાઉનના તાળા તોડી રસોડાના વિવિધ સામાનની ચોરી કરી હતી.

આ માલ વેચવા તે ડીસા આવ્યો હતો. પોલીસે ત્રણ ગ્રેવી મશીનની ઘંટીઓ, કંપની વગરના બે સ્ટવ અને એક રોટલી બનાવવાનું બમ્પર, ભારતીય કંપનીનો એક કોમર્શિયલ ખાલી ગેસ સિલિન્ડર, મેટલ પ્લાસ્ટિકના બાઉલ આશરે 380 મળી કુલ કિંમત રૂ. 46900/-નો માલસામાન મળી આવ્યો હતો.

આ માલ સામાન ચોરી થઈ હોય તેવો ગુનો ધાનેરા પોલીસ મથકે પણ નોંધાયેલો હતો. આથી ડીસા શહેર દક્ષિણ પોલીસે ચોરીનો મુદ્દામાલ જપ્ત કરી ચોરી કરનાર શખ્સ દશરથ ઉર્ફે માકડી ગોવિંદજી ઠાકોર (રહે.વાડીરોડ, ટેકરા મેલડી માતાજી મંદિર પાસે, ડીસા) ની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.