ડીસા શહેરના ગાયત્રી મંદિર સામેના વિસ્તારમાં આવેલા દવાખાના વિસ્તાર ડોક્ટર હાઉસમાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર દબાણો ઊભા થયા હોવાની ફરિયાદોને પગલે નગરપાલિકા દ્વારા તબીબોને નોટિસ આપ્યા બાદ આજે દબાણ તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
ડીસા ડોક્ટર હાઉસમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ગેરકાયદેસર રીતે દબાણો ઊભા થઈ ગયા હોવાની ફરિયાદ નગરપાલિકાને મળી હતી. જેથી પાલિકા દ્વારા તપાસ હાથ ધરાતાં ડોક્ટર હાઉસ વિસ્તારમાં ફાયર સેફ્ટી છે પરંતુ નકશા વિરુદ્ધ બાંધકામ કરવું, રસ્તા પરના દબાણો, પાર્કિંગની જગ્યામાં દબાણ કરવું, કોમન પ્લોટમાં જનરેટર મુકી કોમન પ્લોટ પર દબાણ કરવું સહિત એક્ઝીટ દરવાજો ન હોય તેવી હોસ્પિટલો ધ્યાને આવી હતી. જેથી પાલિકા દ્વારા કુલ 47 હોસ્પિટલોને દબાણ અંગેની નોટિસ પાઠવવામાં આવી હતી.
જ્યારે આજે પાલિકાની ટીમ દ્વારા જેસીબી મશીન સાથે ડોક્ટર હાઉસની બીજી ગલીમાં દબાણ તોડવાનો પ્રારંભ કરાયો હતો. જેસીબી મશીન દ્વારા ઓટલાઓ તેમજ રોડ પર થયેલા બાંધકામો દૂર કરવામાં આવ્યા હતા. જોકે કેટલાક દુકાનદારોએ પાલિકાની ટીમ સામે વ્હાલા દવલાની નીતિ અપનાવતા હોવાના આક્ષેપો કર્યા હતા.
અહીં મેડિકલ સ્ટોર ધરાવતા અનિલભાઈ સોલંકીએ પાલિકાના દબાણ અધિકારી મનોજભાઈ પટેલ અને એન્જિનિયર સુરેશભાઈ જાદવને જણાવ્યું હતું કે, દબાણ તોડવાની શરૂઆત આગળની ગલીથી શરૂ કરવી જોઈએ અને તમામના દબાણ હટાવવા જોઈએ પરંતુ પાલિકા દ્વારા માત્ર અમારી ગલીના જ દબાણો તોડવામાં આવી રહ્યા છે. આ અંગે પાલિકાના ઇજનેર સુરેશભાઈ જાદવે જણાવ્યું હતું કે, હાલમાં રસ્તો બનાવવાનો હોય રસ્તા પૈકીના દબાણો તોડવામાં આવી રહ્યા છે.