રાજકોટના અગ્નિકાંડની ઘટના બાદ સમગ્ર ગુજરાતમાં સરકારે એક્શનમાં આવી ગેરકાયદેસર અને નિયમ વિરુદ્ધ ચાલતા શોપિંગ, મોલ, લાઈબ્રેરી, હોસ્પિટલ, ગેમઝોન, સિનેમાઘર સહિત સીલ કરવાના આદેશ આપ્યા હતા. જેમાં ગુજરાતભરમાં લાગતા વળગતા અધિકારીઓએ કડક કાર્યવાહી કરી હતી, ત્યારે ડીસાના ડોક્ટર હાઉસમાં માર્ગો પરના દબાણ અને પાર્કિંગમાં બનેલા હોસ્પિટલ સીલ કરવામાં નિષ્ફળ જતા પાલિકાના અધિકારીઓ સામે માછલાં ધોવાઈ રહ્યા હતા.
ડોક્ટર હાઉસમાં કોઇ ઘટના બને તો એમ્બ્યુલન્સ કે ફાયર ફાઇટર જઈ શકે તેમ ન હોવા છતાં રાજકીય નેતાઓ અને અધિકારીઓ, તબીબો સામે કામગીરી કરવામાં ખાચકાઈ રહ્યા હતા. ત્યારે કામગીરી કરવા મુહિમ ઉપાડતા અનેક સામાજિક સંસ્થાઓ અને પાલિકાના ચૂંટાયેલા સદસ્યો પણ સહયોગ આપી રહ્યા હતા અને દબાણ તેમજ પાર્કિગ ખુલ્લું કરાવવા માહિતી પૂરી પાડતા આખરે પાલિકાના ચીફ ઓફિસર દ્વારા 43 તબીબોને નોટિસ ફટકારાઈ હતી.
જોકે, નોટીસમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે, બેઝમેન્ટ અને રસ્તા પરનું દબાણ તેમજ મંજૂરી કરતા વધારે કરેલા દબાણો દૂર કરવા નોટિસ આપી હતી. સાથે બેઝમેન્ટ સીજીડીસી આર 2017ની જોગવાઈઓ મુજબ સુસંગત ન હોવાથી નોટિસ આપવામાં આવે છે કે વધારાનું બાંધકામ સ્વ ખર્ચે દૂર કરવા અને બેઝમેન્ટમાં કરેલું દબાણ કે વપરાશ તત્કાલિક બંધ કરવા પાર્કિંગ માટે જગ્યા ખુલ્લી કરવા નોટિસ આપવામાં આવી હતી. જોકે નોટિસનું પાલન કરવામાં નહિ આવે તો મિલ્કત સીલ કરવાના આદેશ આપવામાં આવ્યા હતા.
આ બાબતે ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસર ગૌરાંગ પટેલે જણાવ્યું હતું કે, ડોક્ટર હાઉસના દબાણ મામલે રૂબરૂ મુલાકાત લઈને જે તબીબોની હોસ્પિટલમાં દબાણ છે કે પાર્કિંગ દબાણમાં છે તે ખુલ્લા કરવા નોટિસ આપી છે અને બાદમાં પોલિસ બંદોબસ્ત સાથે દબાણો દૂર કરવામાં આવશે તેમજ મિલ્કત સીલ કરવામાં આવશે. જોકે, ડીસા નગરપાલિકા રાજકોટની ઘટના જેવી ઘટના ડીસામાં બને તે પહેલા ગેરકાયદેસર દબાણો દુર કરી અને પાર્કિંગ તેમજ રસ્તાઓ ખુલ્લા કરાવે તે જરૂરી છે.
ડીસા ડોક્ટર હાઉસમાં ફાયર સેફટી છે, પરંતુ નકશા વિરુદ્ધ બાંધકામ કરવું, રસ્તા પરના દબાણો, પાર્કિગની જગ્યામાં દબાણ કરવું, કોમન પ્લોટમાં જનરેટર મુકી કોમન પ્લોટ પર દબાણ કરવું સહિત એકઝીટ દરવાજો ન હોવો તેવી હોસ્પિટલ, બિલ્ડીંગને નોટિસ આપવામાં આવી હતી.