"આઝાદી કા અમૃત મહોત્સવ"ની પૂર્ણાહુતિને વધુ ભવ્ય અને યાદગાર બનાવવા સમગ્ર દેશમાં 9થી 31 ઓગસ્ટ દરમિયાન "મારી માટી, મારો દેશ- માટીને નમન, વીરોને વંદન" અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત આજે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાના અધ્યક્ષસ્થાને તાલુકા પંચાયત, વઢવાણ ખાતે “મારી માટી, મારો દેશ - માટીને નમન, વીરોને વંદન” કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં સંબોધન કરતા નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, દેશના સ્વાતંત્ર્ય સેનાનીઓના યોગદાન અને સંઘર્ષના પરિણામે આપણને આ મહામૂલી આઝાદી મળી છે. દેશના અમૃતકાળની ભવ્ય ઉજવણી કરવા તેમજ આગામી 25 વર્ષમાં ભારતને વિકસિત દેશ બનાવવાના સ્વપ્ન માટે રોડમેપ તૈયાર કરવા વડાપ્રધાને "આઝાદી કા અમૃત મહોત્સવ"નો શુભારંભ કરાવ્યો હતો. આ અમૃત મહોત્સવની પૂર્ણાહુતિને વધુ યાદગાર બનાવવા અને સ્વાતંત્ર્ય સેનાની અને દેશ માટે બલિદાન આપનાર દરેક વીર જવાનોને સાચી શ્રદ્ધાંજલિ આપવા દેશભરમાં "મારી માટી, મારો દેશ" અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ રાયમલભાઈ ચાવડા, ઉપપ્રમુખ ઘનશ્યામભાઈ, કારોબારી ચેરમેન સંજયભાઈ, સામાજિક ન્યાય સમિતિ ચેરમેન ચંદુભાઈ મકવાણા, જિલ્લા પંચાયત સદસ્ય અમરતભાઈ ડાભી, અગ્રણી સર્વે મુકેશભાઈ, દિલીપસિંહ, વનરાજસિંહ, જિલ્લા વિકાસ અધિકારી પી.એન.મકવાણા, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી અર્પણ ચાવડા સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.