પાલનપુરની આરટીઓ કચેરીમાં જી આઇ એસ એફનો સિક્યુરીટી ગાર્ડ ફરિયાદી પાસે ફોર વ્હીલરના ટેસ્ટ માટે રૂ.1500 થી 2000 ની માંગણી કરતાં મંગળવારે એસીબીના છટકામાં ઝડપાયો હતો.

પાલનપુરમાં ઓટો એડવાઇઝરની ઓફિસમાં ગ્રાહકોના વાહનોનાં વીમા ઉતારવા, જુદી-જુદી બેંકો તથા ફાઇનાન્સ કંપનીમાંથી લોન અપાવવાનું કામ કરનાર વ્યક્તિની આર.ટી.ઓ કચેરીમાં અવર-જવર હતી. ત્યારે પોતાના શેઠનાં દીકરાનું ડ્રાઈવિંગ લાઇસન્સ કઢાવવા માટે ઓનલાઇન ફોર્મ ભરી તા.20 મે-2024 નાં રોજ ટુ વ્હીલરનો ટેસ્ટ અપાવી પાસ કરાવ્યો હતો. અને તે દિવસે ફોર વ્હીલરનો ટ્રેક બંધ હોવાથી ટેસ્ટ આપી શકાયો નહતો. આથી આરટીઓ કચેરીમાં જી.આઇ.એસ.એફ.માં સીકયોરીટી ગાર્ડ તરીકે નોકરી કરતાં શૈલેષભાઇ દાનાભાઇ રાવળએ નવેસરથી એપોઇન્ટમેન્ટ લેવા જણાવ્યું હતું.

જેણે પોતાનો ફોન નંબર આપી ફોન કરીને આવવા જણાવ્યું હતું અને રૂ.1500 થી 2000 ની લાંચની માંગણી કરી હતી. પરંતુ ફરીયાદી લાંચ ના નાણાં આપવા માંગતા ના હોઇ એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપી હતી. જેથી અમદાવાદ એસીબી પીઆઇ એસ.એન.બારોટે મંગળવારે લાંચનું છટકું ગોઠવ્યું હતું. જેમાં આરટીઓ કચેરીમાં ગાર્ડ રૂમમાં રૂ.1500 ની લાંચ લેતાં શૈલેષભાઇ દાનાભાઇ રાવળ રંગેહાથ ઝડપાઇ ગયો હતો.