બનાસકાંઠા જિલ્લામાં ફાયર સેફ્ટી સુવિધાના સાધનોની ચકાસણી કરવાના જિલ્લા કલેક્ટરના આદેશના પગલે ડીસા નગરપાલિકા દ્વારા ગઈકાલે બે લાઇબ્રેરી અને ટ્યુશન ક્લાસીસને સીલ મરાયા બાદ આજે વધુ પાંચ લાઇબ્રેરીઓ અને બે ટ્યુશન ક્લાસીસ સીલ મારવામાં આવ્યા હતા. કેટલી લાયબ્રેરી શોપિંગ સેન્ટરના ભોયરામાં અને પાર્કિંગની જગ્યાઓમાં ચાલી રહી હતી.
રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ બાદ રાજ્યભરમાં સરકારી તંત્ર ફાયર સેફ્ટી સુવિધા મામલે એક્શન મોડમાં છે. ત્યારે ડીસા શહેરમાં પણ નગરપાલિકા, આરોગ્ય અને મામલતદારની ટીમો અલગ અલગ રીતે તપાસ કરી રહી છે. જેમાં ડીસા નગરપાલિકાની ટીમ દ્વારા શહેરમાં મોલ, ટ્યુશન ક્લાસીસ, લાઇબ્રેરીઓમાં છેલ્લા ત્રણ દિવસથી તપાસ ચાલી રહી છે. જેમાં ગતરોજ પાલિકાની ફાયર વિભાગની ટીમ દ્વારા એક ટ્યુશન ક્લાસીસ અને બે લાઇબ્રેરીઓની ફાયર સેફ્ટીની સુવિધા ન હોવાથી સીલ મારવામાં આવી હતી.
આજે પાલિકાની ટીમે અલગ-અલગ વિસ્તારોમાં તપાસ હાથ ધરવાનું ચાલુ રાખતા વધુ પાંચ લાઇબ્રેરીઓમાં અને બે ટ્યુશન ક્લાસીસમાં ફાયર સેફ્ટી સુવિધાનો અભાવ તેમજ એન્ટ્રી, એક્ઝિટ માટેની સાંકડી સીડી સહિત અન્ય સુવિધાઓ ન હોવાના કારણે સીલ કરવામાં આવી હતી. જેમાં સીલ કરાયેલી લાઇબ્રેરી, ટ્યુશન ક્લાસીસમાં ફ્યુચર રીડિંગ લાઇબ્રેરી, ભવ્ય રીડિંગ લાઇબ્રેરી, કેસર કૃપા લીડિંગ લાઇબ્રેરી, શ્રી અર્બુદા રીડિંગ લાઇબ્રેરી, પ્રથમ રીડિંગ લાઇબ્રેરી તેમજ અબાકર ટ્રેનિંગ સેન્ટર, લક્ષ બ્રેન એજ્યુકેશનને આજરોજ સીલ કરવામાં આવ્યા હતા. કેટલીક લાઇબ્રેરીઓ, શોપિંગ સેન્ટરના ભોયરામાં પાર્કિંગની જગ્યાઓમાં ચાલી રહ્યું હોવાનું ધ્યાને આવ્યું હતું.