પાલનપુરના ગણેશપુરામાં બુધવારની બપોરે પાંચ વર્ષનો બાળક રમતાં રમતાં અવાવરૂ પડેલ ગાડીમાં બેસી ગયો હતો.અને કાર લોક થઈ ગઈ હતી. બે કલાકથી વધુ સમય સુધી શ્વાસ રુંધાતા બાળક દરવાજો ખોલી શક્યો નહીં અને ગુંગળાઈને તરફડીયા મારતા મુત્યુ પામ્યો હતો. એકનો એક દીકરો મુત્યુ પામતા ગમગીની છવાઈ હતી.

પાલનપુરના ગણેશપુરામાં ભાડાના મકાનમાં રહેતા અને મૂળ હડાદ પોશીનાના વતની મહિલા પતિ સાથેથી છૂટાછેડા લઈને પિતા સાથે રહેતા હતા. બુધવાર બપોરે તેમનો પાંચ વર્ષનો દીકરો નિક્ષિક બહાર રમતો હતો. ત્યારે દૂધ મંડળીની સામે બે વર્ષથી પડેલ ગાડીમાં જઈને બેસી ગયો હતો.અને કાર લોક થઈ ગઈ હતી. માતા સાથે આજુબાજુના લોકો શોધતા હતા.

ત્યારે કોઈકની નજર ગાડી પર પડી અને બધાએ ગાડીમાં જઈને જોયું તો બાળક અંદર પડ્યો હતો. જેને તાત્કાલીક પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.જ્યાં ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કરતા માતાના હૈયાફાટ રુદનથી સિવિલ સંકુલમાં ગમગીની છવાઈ ગઈ હતી.

ગાડીના માલિક સુરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે " મારી કાર ઘરની બહાર છેલ્લા બે વર્ષ બંધ હાલતમાં છે. બપોરે કોઈ બાળક અંદર બેસી ગયો. અને પછી ગાડીનો લોક કઈ રીતે થઈ ગયો તે મને પોતાને પણ ખબર નથી. બાળકના પરિવારજનો શોધતા હતા. ત્યારે કોઈકની નજર ગાડીમાં પડતા બાળકને લોક ખોલીને ગાડીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.