બનાસકાંઠા જિલ્લા એલસીબી પોલીસે રાજકોટ ગેમઝોનમાં સર્જાયેલા અગ્નિકાંડની ઘટનામાં સંડોવાયેલા આરોપીને ઝડપી પાડ્યો છે. રાજસ્થાનના આબુરોડમાં આરોપી ધવલ ઠક્કર હોવાની બાતમી એલસીબી પોલીસ અને રાજકોટ પોલીસને મળતા પોલીસે વોચ રાખી તેને આબુરોડથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રાજકોટમાં ગેમઝોનમાં અગ્નિકાંડમાં કેટલાય લોકોના જીવ હોમાયા હતા. ત્યારે ગેમઝોનના ભાગીદાર આરોપીને પોલીસે રાજકોટમાંથી જ ઝડપી પાડ્યા હતા, પરંતુ કેટલાક આરોપીઓ ત્યાંથી નાસી છૂટ્યા હતા. જેમાંથી એક ધવલ ઠક્કર નામનો આરોપી પણ રાજકોટથી નાસી રાજસ્થાનના આબુરોડમાં સંતાયો હતો. જેની બાતમી બનાસકાંઠા એલસીબી પોલીસ અને રાજકોટ પોલીસને મળી હતી. જેથી બનાસકાંઠા એલસીબી પોલીસ અને રાજકોટ પોલીસની ટીમો બનાવી રાજસ્થાન ખાતે મોકલી હતી.

જેમાં રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી એલસીબી પોલીસને આબુરોડમાં દેખાઈ આવતા તેને કોડન કરી ઝડપી પાડ્યો હતો. રાજસ્થાનના આબુરોડથી આરોપી ધવલ ઠક્કરને પાલનપુર એસપી કચેરી લાવી રાજકોટ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.