ડીસા હાઇવે પર રાજ મંદિર સર્કલ પર અંદાજે 20 દિવસ પહેલા ભુંડ વચ્ચે આવી જતાં સર્જાયેલા અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા બાઈક સવાર યુવકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
ડીસા શહેરમાં રખડતા ઢોરો અને ભૂંડનો ત્રાસ અસહ્ય રીતે વધી ગયો છે. જેના કારણે અનેક અકસ્માતોમાં નિર્દોષ લોકોને જાન ગુમાવવાનો વારો આવે છે. જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. આવા જ એક અકસ્માતમાં આજથી વીસેક દિવસ પહેલા ડીસા રાજમંદિર સિનેમા પાસેથી બાઈક લઈને નીકળતા સેવાભાવી યુવક કમલ મહેશ્વરી ભૂંડ વચ્ચે આવી જતા બાઈક પરથી નીચે પટકાયા હતા. જેમને ગંભીર રીતે ઈજા થવાથી ડીસાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયેલા હતા. છેલ્લા 20 દિવસની સારવારમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાતા આજે તેઓનું મોત નિપજ્યું હતું.
મરણ જનાર કમલ મહેશ્વરી ડીસાના સેવાભાવી અને આશાસ્પદ યુવક હતા અને ખુદ રખડતાં પશુઓની સમસ્યાને દૂર કરવા માટે સીઆરપીસી કલમ 133 મુજબ ડીસા સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં અગાઉ ફરિયાદ નોંધાવી ચૂક્યા હતા. તેઓ સતત રખડતા ઢોર મુદ્દે લડતા રહ્યા હતા, પરંતુ વિધિની વક્રતા જુઓ તો તેમનો અકસ્માત પણ રખડતા ઢોરના કારણે જ થવા પામ્યો હતો.