ડીસાના ઝેરડા પાસે જવેલર્સ પાસેથી છરીની અણીએ લૂંટ કરનાર ત્રણ આરોપી ઝડપાયા બાદ ડીસા તાલુકા પોલીસે વધુ ત્રણ આરોપીને દબોચી લઇ રૂ. 23.94 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

બનાસકાંઠાના ડીસા તાલુકાના ઝેરડા ગામ પાસે ડીસા તરફ આવતાં જવેલર્સનું એક્ટિવા આંતરી ગંભીર ઈજા પહોંચાડી સોના ચાંદીના દાગીના અને રોકડા રકમ સાથેના થેલાની લૂંટ ચલાવી ભાગી ગયા હતા. જે બાબતની જાણ ડીસા તાલુકા પોલીસને થતાં પોલીસે સમગ્ર જિલ્લાની પોલીસને એલર્ટ કરતા ભીલડી પાસેથી લૂંટમાં સામેલ ત્રણ આરોપી ઝડપાઈ જવા પામ્યા હતા.

ત્યારબાદ મુખ્ય સૂત્રધાર સહિત ત્રણ આરોપીને ઝડપવા જિલ્લા પોલીસવડા અક્ષયરાજની સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લા પોલીસ સાથે મળી સંયુક્ત ટીમો બનાવી માનવસ્ત્રોત અને ટેક્નિકલ સર્વેલન્સની મદદથી ડીસા તાલુકા પોલીસ મથકના પીઆઈ એ. વી. દેસાઈ અને તેમની ટીમે તપાસ હાથ ધરી હતી. જેમાં આરોપી નિકુલસિંહ જીવણસિંહ વાઘેલા દરબાર (રહે. રોબસ મોટી, ડીસા), જયેશસિંહ જેણુંસિંહ રાઠોડ દરબાર (રહે. હાથિદરા, પાલનપુર), નિકુલસિંહ જીતુભા વાઘેલા દરબાર (રહે. ઉંબરી, કાંકરેજ) ગાડી નંબર GJ 08 AP 0118 લઈને ખીમતથી વીઠોદર તરફ આવી રહ્યા હોવાની હકીકત મળતા તેમને ઝડપી લીધા હતા.

તેમની તલાસી લેતાં ગાડીમાંથી સોનાના દાગીના રૂ. 20,51,605 ની કિંમતના તેમજ ચાંદીના દાગીના રૂ 3,21,277 ની કિંમતના તેમજ ગુન્હામાં સંડોવાયેલી કાર અને મોબાઈલ મળી રૂ. 29,04,882 ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આરોપીઓને રિમાન્ડ પર મેળવવાની તજવીજ હાથ ધરી ગુનાની વધુ તપાસ ડીસા તાલુકા પોલીસ ચલાવી રહી છે.