ભારતીય સેનામાં ભરતી માટે કેન્દ્ર સરકારની નવી યોજના અગ્નિપથ યોજના સામે આંદોલનને કારણે ભારતીય રેલ્વેને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. આ અંગે કેન્દ્ર સરકારે સંસદમાં મોટી માહિતી આપી. શુક્રવારે રાજ્યસભામાં માહિતી આપતાં કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે અગ્નિપથ યોજના સામે થયેલા આંદોલનને કારણે રેલવેને 259.44 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

ઉલ્લેખનીય છે કે, અગ્નિપથ યોજનાને લઈને દેશના ઘણા રાજ્યોમાં ઉગ્ર વિરોધ થયો હતો. અગ્નિપથ વિરુદ્ધ યુવાનોના આંદોલનને કારણે દેશભરમાં 2000થી વધુ ટ્રેનો રદ કરવી પડી હતી. શુક્રવારે સંસદમાં માહિતી આપતા રેલ્વે મંત્રીએ કહ્યું કે આંદોલન દરમિયાન 2132 ટ્રેનો રદ કરવી પડી હતી. આ માહિતી રેલ્વે મંત્રીએ રાજ્યસભામાં એક લેખિત જવાબમાં આપી હતી. તેમણે જણાવ્યું કે આ તમામ ટ્રેનો માત્ર એક સપ્તાહની અંદર રદ કરવામાં આવી હતી.

રેલ્વે મંત્રીએ કહ્યું કે અગ્નિપથ યોજનાના અમલ પછી, તેના વિરોધને કારણે ખોરવાઈ ગયેલી ટ્રેન સેવાઓ માટે મુસાફરોને કેટલી રકમ આપવામાં આવી તેનો કોઈ ડેટા ઉપલબ્ધ નથી. તેમણે કહ્યું કે 14 જૂન, 2022 થી 30 જૂન, 2022 સુધી, ટ્રેનો રદ થવાથી અને આંદોલન દરમિયાન રેલ્વે સંપત્તિને નુકસાન થવાને કારણે, રેલ્વેને લગભગ 259.44 કરોડનું નુકસાન થયું છે.

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે આંદોલન દરમિયાન રદ કરાયેલી તમામ ટ્રેનોને પુનઃસ્થાપિત કરી દેવામાં આવી છે. આ પહેલા લોકસભામાં લેખિતમાં માહિતી આપતાં રેલ્વે મંત્રીએ કહ્યું હતું કે અગ્નિપથ યોજના વિરૂદ્ધ થયેલા આંદોલનમાં રેલ્વે પરિસરમાં પ્રદર્શનને કારણે બે લોકોના મોત થયા હતા અને 35 લોકો ઘાયલ થયા હતા. આ સાથે રેલવે પરિસરમાંથી 2,642 બદમાશોની પણ ધરપકડ કરવામાં આવી હતી.

રેલ્વેના જણાવ્યા અનુસાર વિરોધ પ્રદર્શનને કારણે સૌથી વધુ નુકસાન તેલંગાણા અને બિહાર રાજ્યોમાં થયું છે. અગ્નિપથ યોજનાને લઈને અહીં લગભગ એક અઠવાડિયા સુધી વિરોધ પ્રદર્શન ચાલુ રહ્યું. વિરોધ દરમિયાન સૌથી વધુ 1051 સધર્ન ઝોનમાંથી ધરપકડ કરવામાં આવી હતી.