ડીસા-પાટણ હાઇવે પર જુનાડીસા નજીક શનિવારે રાતે બલેનો કાર ચાલકે બાઇકને ટક્કર મારી હતી. જેમાં બાઈક સવાર બે યુવકોને ગંભીર ઇજા થતાં સારવાર અર્થે ડીસા સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા.

ડીસા તાલુકાના માણેકપુરા ગામના અભુજી પુનાજી ઠાકોર અને હિતેશભાઈ ઠાકોર શનિવારે રાત્રે બાઈક લઈને જુનાડીસા ગામ પાસેથી પસાર થતા હતા. ત્યારે પસાર થતી બલેનો કારના ચાલકે બાઇકને ટક્કર મારી હતી. જેથી બાઇક સવાર બન્ને યુવકો રોડ ઉપર પટકાતા ગંભીર ઇજા થઈ હતી.

આ ઘટનાને પગલે અકસ્માત સ્થળે લોકોના ટોળા એકત્ર થતાં 108 ઈમરજન્સી વાન બોલાવતા બંનેને સારવાર માટે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હિતેશભાઈ ઠાકોર અને અભુજી પુનાજી ઠાકોરને વધુ ગંભીર ઇજા હોવાથી તેઓને પાલનપુર સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા. જેમાં હિતેશભાઈ ઠાકોરને વધારે ઇજા પામતાં પાલનપુરથી અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા. ડીસા તાલુકા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી.