એક વર્ષ પહેલાં માત્ર રોડની ધારમાં જ ખાડા કરી કામગીરી પૂરી કરાઇ હતી ખેડા - ધોળકા રોડની કાંસ પરના દબાણો હટાવવામાં તંત્ર ઉદાસીન

ચોમાસામાં વરસાદનું પાણી રોડ ઉપર ભરાઈ રહેવાની સંભાવના

ખેડા ધોળકા હાઈવે રોડની બંને સાઈડ પર ખાનગી કંપનીઓ હોટલો, પેટ્રોલ પંપ, ફાર્મ હાઉસ, ગોડાઉન દ્વારા છેલ્લા ઘણાં સમયથી રોડની ધારોધાર માટીનું પુરાણ કરી તેમજ રોડ સુધી આરસીસી કન્ટ્રક્શન કરી વરસાદી પાણીના નિકાલ માટેની કાંસ જેવી ગટર હતી. જે પૂરી દેવામાં આવતા વરસાદી પાણીનો નિકાલ થઈ રહ્યો નથી અને રોડ ઉપર પાણી ભરાઈ રહેવાથી કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલ રોડ તૂટવાની સંભાવના છે.

ખેડા ધોળકા હાઈવેની બંને બાજુની વરસાદી પાણીના નિકાલ માટેની જૂની સરકારી કાંસ અને ગટરો સંપૂર્ણ રીતે પૂરી ખાનગી કંપનીઓ, હોટલો અને ફાર્મ હાઉસના માલિકો દ્વારા પૂરી દેવામાં આવી છે. ખેડા હરિયાળા ચોકડીથી રસિકપુરા સુધી 20 કિલોમીટર સુધી રોડની બંને બાજુ સરકારી કાંસ પૂરી દઈને દબાણ અને આરસીસી ઊભું કરવામાં આવ્યું છે. અગાઉ દોઢ વર્ષ પહેલાં માર્ગ મકાન વિભાગ દ્વારા 50 થી વધુ ખાનગી કંપનીઓને નોટિસ અપાયા બાદ દબાણ દૂર ન કરતાં માર્ગ મકાન વિભાગ હરકતમાં આવ્યું હતું

અને એક વર્ષ પહેલાં ખેડા ધોળકા હાઈવે પર દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. જેમાં ખેડાથી રસિકપુરા સુધી રોડની સાઇડમાં જુની કાંસ ખોદવાની કામગીરી કરાઈ હતી. સતત 15 દિવસ સુધી આ કામગીરી હાથ ધરાઈ હોવાછતાં સ્ટ્રકચર પ્રમાણે કાંસને ખુલ્લી કરવામાં આવી ન હતી અને માત્ર રોડની ધારમાં જ ખાડાઓ કરવામાં આવ્યા હતા અને કામગીરીની અધૂરી છોડી દેવામાં આવી હતી. આવનાર ચોમાસામાં વરસાદનું પાણી રોડ ઉપર ભરાઈ રહેવાની સંભાવના છે.

રેપોર્ટ-સંજય ચુનારા ખેડા