લાખણીમાં યોજાયેલી પ્રિયંકા ગાંધીની ચૂંટણી સભામાં મોબાઇલની ચોરી કરી રિક્ષામાં ડીસાથી પાલનપુર તરફ જઇ રહેલી ચોર ટોળકીને ડીસા દક્ષિણ પોલીસ મથકની ટીમે ઝડપી લીધી હતી.
લાખણીમાં શનિવારે યોજાયેલી પ્રિયંકા ગાંધીની ચૂંટણી સભામાં ઘણા લોકોના મોબાઈલ ચોરાયા હતા.ચોર ટોળકી રિક્ષામાં પાલનપુર તરફ જઈ રહી હોવાની માહિતી મળતાં ડીસા દક્ષિણ પોલીસે વોચ ગોઠવી રિક્ષા નં. જીજે 08 એ એકસ - 0026 અને જીજે 08 એ.વી. 9508ને આંતરી તલાસી લેતાં તેમની પાસેથી 18 નંગ મોબાઈલ મળી આવ્યા હતા. પોલીસે આ બંને રિક્ષાઓ તેમજ 18 નંગ મોબાઈલ સહિત કુલ 4.58 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો.
અને રિક્ષામાં બેઠેલા પાલનપુરના બાવરી ડેરા વિસ્તારના શની કાળુભાઈ બાવરી, રાજસ્થાનના ફાલના શહેરના ચંદનભાઈ રાજુભાઈ બાવરી, પાલનપુરના સુરેશભાઈ રમેશભાઈ ગોસાઈ બાવા, ભૂપતસિંહ કાનાભાઈ કોળી, રવિભાઈ ચેતનભાઈ કોળી, હીરાભાઈ જલારામભાઈ વઢિયાર અને મુરલીધરભાઈ પરષોત્તમભાઈ ચૌહાણની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.