અમદાવાદથી બસમાં ડીસા ઉતરેલા વૃધ્ધાને જુના બસ સ્ટેન્ડ સામે એક પછી એક ત્રણ મળેલા ગઠિયાઓએ છુટા પૈસા લેવાના બહાને રૂમાલમાં રૂપિયા 500 ની એક નોટની નીચે કાગળના કટીંગ અને દાગીનાને બદલે પથ્થર આપી રૂપિયા 76,000 ના દાગીના પડાવી લઇ ફરાર થઇ ગયા હતા. આ અંગે વૃદ્ધાએ ત્રણેય શખ્સો સામે ડીસા ઉત્તર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

મૂળ ડીસાના હાલ અમદાવાદ રહેતા શારદાબેન સતીષભાઇ માળી (ઉ.વ.62) રવિવારે ડીસા બસમાંથી ઉતરી જુના બસ સ્ટેન્ડ નજીક શાકભાજી ખરીદવા જતા હતા. ત્યારે અજાણ્યો શખ્સે પોતાની પાસે રૂપિયા 500 નું બંડલ હોવાનું કહીં પાલનપુર જવા માટે છુટા પૈસાની માંગણી કરી હતી. જે શારદાબેને આપવાની ના પાડી હતી. દરમિયાન બીજો શખ્સ ત્યાં આવ્યો હતો. અને છુટા પૈસા આપો નાણાંનું બંડલ આપણે બંને લઇ લઇશું તેમ કહીં તેણીને ગલીમાં લઇ ગયા હતા.

 જ્યાં ત્રીજો શખ્સ આવી શારદાબેનની રૂપિયા 76,000 ની સોનાની બુટ્ટી, ચેઇન કઢાવી રૂપિયા 500ના બંડલ સાથે રૂમાલમાં બાંધ્યા હતા. જે પછી રિક્ષામાં બેસાડી શાકમાર્કેટમાં ઉતારવાનું કહીં ફરાર થઇ ગયા હતા. દરમિયાન શારદાબેન ઘરે પહોંચી રૂમાલ ખોલીને જોતા અંદર બંડલ ઉપર રૂપિયા 500 ની એક જ નોટ હતી. બાકીના કટીંગ કરેલા કાગળો હતો. તેમજ દાગીનાને બદલે પથ્થર નીકળ્યા હતા. પોતાની સાથે છેતરપિંડી થઇ હોવાની જાણ થતાં ડીસા ઉત્તર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.