ઓસ્ટ્રેલિયાથી મત આપવા માટે યુવાન પાલનપુર પહોંચ્યો..

માતા-પિતા સાથે મત આપી લોકોને મતદાન કરવા માટે કરી અપીલ..

આજે મતદાનના દિવસે સવારના ૭:૦૦ વાગ્યાથી જ મત આપવા માટે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે ખાસ કરીને આ મહાપર્વમાં યુવાઓ અમૂલ્ય મત આપી પોતાની ફરજ નિભાવી રહ્યા છે. ન માત્ર સ્થાનિક લોકો પરંતુ વિદેશમાં વસતા લોકો પણ મતદાન કરવા માટે માદરે વતન આવી રહ્યા છે. ઓસ્ટ્રેલિયાના સિડની ખાતે રહેતા યુવાન હર્ષ અખાણીએ મત કરી પોતાની ફરજ નિભાવી.

પાલનપુરની જી. ડી. મોદી કોલેજ ખાતે મતદાન મથક પર ઓસ્ટ્રેલિયાના સિડની ખાતે ફાર્મા કંપનીમાં જોબ કરતા યુવા હર્ષ અખાણી લોકશાહીના આ મહાપર્વમાં સહભાગી થવા ખાસ પાલનપુર આવ્યા હતા. તેમણે પોતાનો કિંમતી મત આપીને ખૂબ આનંદની લાગણી વ્યક્ત કરી હતી તેમજ યુવાઓને અવશ્ય મતદાન કરવા માટે અપીલ કરી હતી. હર્ષભાઈના માતા નયનાબેનના બંને પગે તાજેતરમાં ઘૂંટણનું ઓપરેશન કરાવ્યું છે. તેમ છતાં હર્ષ અખાણીએ તેમના માતાને વ્હીલચેર પર લઈ આવી મતદાન કરાવ્યું. સાત સમુંદર પાર રહેતા હર્ષ અખાણીએ વિદેશથી આવી ન માત્ર પોતાનો મત આપ્યો પરંતુ માતા પિતાને મત અપાવી દેશની લોકશાહીને મજબૂત બનાવવા પોતાનું યોગદાન આપ્યું.