ડીસાની એક સોસાયટીના યુવક-યુવતી આઠ મહિના અગાઉ ઘરેથી ભાગી ગયા હતા. જેનું મનદુઃખ રાખી ડીસાની આશાપુરા સોસાયટી ભાગ-2 માં રહેતા યુવકનું ડીસા તેમજ વડગામ તાલુકાના મજાદરનાં શખ્સોએ રવિવારે ડીસાથી અપહરણ કર્યું હતું. જેને પોલીસે છોડાવી નવ શખ્સોને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ડીસાની એક સોસાયટીમાંથી યુવક યુવતી આઠ માસ અગાઉ ઘરેથી ભાગી ગયા હતા. પછી સમાજના લોકો ભેગા થતાં સમાધાન થઈ ગયું હતું અને યુવતીને તેના પિતાને સોંપવામાં આવી હતી. જે અંગેનું મનદુ:ખ રાખી યુવતીના ભગાડી જનાર યુવકના પિતરાઇ કિરણભાઈને ડીસા રાજમંદિર આગળથી રવિવારે મજાદર ગામના શખ્સો ઈકો ગાડીમાં ઉપાડી ગયા હતા.આ અંગે ફરિયાદ નોંધાતા ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકના પીઆઇ આર. એસ. દેસાઇએ ટીમ બનાવી અપહ્યત યુવકને છોડાવ્યો હતો.

અને અપહરણકર્તા ડીસા ધુળીયાકોટનો જયંતિભાઇ નાથાભાઇ રાવળ, મજાદરનો પરબતભાઇ નાથાભાઇ રાવળ, વિપુલભાઇ પરબતભાઇ રાવળ, ડીસાનો વિષ્ણુભાઇ જયંતિભાઇ રાવળ, મજાદરનો શૈલેષકુમાર ખેંગારભાઇ જરાદી, ડીસાનો દશરથભાઇ ઉકાભાઇ રાવળ, દામાનો સુરેશભાઇ ઉકાભાઇ રાવળ, ડીસાનો કમશીભાઇ નાથાભાઇ રાવળ અને કુંપટનો રાહુલભાઇ મનુભાઇ રાવળને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.