પાલનપુરના ગોળાથી છનીયાણા રોડ ઉપર મંગળવારે પાંચ વર્ષના બાળકને અજાણ્યો વાાહન ચાલક ટક્કર મારી નાસી ગયો હતો. આ ઘટનામાં ઇજાગ્રસ્ત બાળકનું મોત નિપજ્યું હતું. આ અંગે પાલનપુર તાલુકા પોલીસ મથકે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ હતી. આથી પોલીસે તપાસ હાથ ધરી છે.

પાલનપુરના ગોળા ગામના સચીનભાઇ હેમાભાઇ પુરબીયાના પત્ની મંગળવારે સવારે આશરે દસેક વાગ્યે ગોળાથી છનીયાણા રોડ ઉપર એક લગ્ન પ્રસંગમાં જમવાનું લેવા જતા હતા ત્યારે તેમનો પાંચ વર્ષિય પુત્ર રીતીક પાછળ-પાછળ આવતો હતો. તે વખતે રોડ ઉપર છનીયાણાથી ગોળા તરફ આવતા કોઇ અજાણ્યા વાહન ચાલકે પોતાનું વાહન પૂરઝડપે હંકારી રીતીકને ટકકર મારી હતી. જેમાં રીતીક રોડ ઉપર પટકાતાં ગંભીર ઇજા પહોંચી હતી. જ્યારે ગાડીનો ચાલક ટક્કર મારી ગાડી લઇને નાસી ગયો હતો.

આ ઘટનાને પગલે આજુબાજુથી લોકોએ દોડી આવી 108 એમ્બ્યુલસને ફોન કરતા ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી રીતીકને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. જ્યાં ફરજ ઉપર હાજર ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો. લાશનું પી.એમ. કરાવી લાશ પરિવારને સોંપી હતી. સાંજના અંતિમ વિધી કરાઇ હતી. આ અંગે કુશાલ કાન્તીભાઈ પુરબીયાએ પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશને અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.