બનાસકાંઠાના ડીસામાં યુવા ખેડૂત અને એગ્રોના વ્યવસાય સાથે સંકળાયેલા વ્યક્તિનું યુવાન વયે હાર્ટ એટેકના હુમલામાં મોત થતાં સમગ્ર વેપારી વર્ગ સહિત કુંપટ ગામ અને દરબાર સમાજમાં ધેરા શોકની લાગણી છવાઈ છે.
આજકાલ યુવાનોમાં હાર્ટ એટેકના બનાવોમાં વધારો થયો છે. ત્યારે ડીસા તાલુકામા વધુ એક યુવાનનું હાર્ટ એટેકથી મોત થયું છે. વર્ષાથી ડીસા નવા બસ સ્ટેન્ડ પાસે એગ્રોની દુકાન ધરાવતા શિવુભા ભટેસરીયા ગઈકાલે દુકાન પર બેઠા હતા.
તે દરમિયાન અચાનક ગભરામણ જેવું થવા લાગતા તેઓ તાત્કાલિક ડીસાની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે પહોંચ્યા હતા, પરંતુ ત્યાં સારવાર દરમિયાન અચાનક હાર્ટ એટેકનો હુમલો થતા પ્રાણ પંખેરું ઉડી ગયું હતું.
અચાનક યુવા ખેડૂતના નિધનથી સમગ્ર એગ્રોના વેપારીઓ સહિત કુંપટ ગામમાં શોકનો માહોલ છવાયો હતો. પાંચ દીકરીઓના પિતાનું અચાનક હાર્ટ અટેકથી મોત થતા પરિવાર પર આભ ફાટવા જેવી સ્થિતિ સર્જાઈ હતી.