ડીસામાં મસાલાની દુકાનમાંથી 15 કટ્ટા ધાણાની ચોરી થઈ હોવાની ઘટના સામે આવી હતી. જે મામલે ડીસા શહેર દક્ષિણ પોલીસે ગણતરીના કલાકોમાં જ ચોરી કરનાર બે શખ્સોની અટકાયત કરી જેલના હવાલે કર્યા છે.

ડીસાના ગુલબાણી નગર વિસ્તારમાં રહેતા અમિતભાઈ ચુનીલાલ ખત્રીની પોસ્ટ ઓફિસ પાસે મરચાં અને ધાણની દુકાન આવેલી છે. બે દિવસ અગાઉ તેઓ રાબેતા મુજબ સાંજે દુકાન બંધ કરીને ઘરે ગયા હતા અને રાત્રિના સમયે તેમની દુકાનનો પાછળનો દરવાજો ખુલ્લો હોવાથી ત્યાંથી પસાર થતા તેમના સંબંધીએ તેમને જાણ કરી હતી.

જેથી દુકાન માલિક અમિતભાઈ અને તેમના પિતા તરત જ દુકાને પહોંચ્યા હતા. જ્યાં જઈ તપાસ કરતા કોઈ અજાણા શકશો તેમના પાછળના દુકાનના પાછળનો દરવાજો ખોલી અંદર પ્રવેશી 15 કટ્ટા ધાણાની ચોરી કરી ગયા હોવાનું માલુમ પડ્યું હતું. જે મામલે તેમણે તરત જ ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકે ફરિયાદ કરી હતી.

ફરિયાદ નોંધાતા જ પોલીસે તરત જ તપાસ શરૂ કરી હતી. તે દરમિયાન ડીસામાં સંત અન્ના હાઈસ્કૂલ પાસેથી પસાર થઈ રહેલી એક શંકાસ્પદ ઇકો ગાડીને થોભાવી તલાસી લેતા તેમાંથી ધાણા ભરેલા કટ્ટા મળી આવ્યા હતા.

જેથી પોલીસે ઇકો ગાડીમાં બેઠેલ લુણપુર ગામના મનુ ઉર્ફે મનીયો નટુભાઈ મીર અને દાનસિંહ પોપટસિંહ સોલંકીની કડક પૂછ પરછ કરતા તેઓએ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. જેથી પોલીસે તરત જ બંને શખ્સોની અટકાયત કરી હતી અને ધાણાના 15 કટ્ટા તેમજ ચોરીમાં વપરાયેલ ગાડી પણ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.