ડીસા તાલુકાના પેપળુ ગામે આજે અચાનક રસ્તા વચ્ચે આવી ગયેલ શ્વાનને બચાવવા જતા બાઈક ચાલકને અકસ્માત નડ્યો હતો. અકસ્માતમાં બાઈક સવાર બે યુવકોને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા.
ડીસા પંથકમાં રખડતા પશુઓના કારણે થતા અકસ્માતોમાં દિન-પ્રતિદિન વધારો થઈ રહ્યો છે તેમાં આજે અચાનક રસ્તા વચ્ચે શ્વાન આવી જતા બાઈક સવારને અકસ્માત નડ્યો હતો. પેપળુ ગામે રહેતા ભગાભાઈ બબાભાઈ વાલ્મિકી તેમના સંબંધી સાથે બાઈક પર જઈ રહ્યા હતા અને પેપળુ ગામે સરકારી દવાખાના પાસેથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે અચાનક રસ્તા વચ્ચે શ્વાન આવી જતા ચાલકે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા બાઈક સ્લીપ ખાઈ ગયું હતું અને બાઇક સાથે બંને યુવકો રોડ પર પટકાતા ગંભીર ઈજા પહોંચી હતી.
આ બનાવને પગલે આજુબાજુના ગ્રામજનો તરત જ દોડી આવ્યા હતા અને અકસ્માતગ્રસ્ત બંને યુવકોને સારવાર માટે 108 એમ્બ્યુલન્સ વાન મારફતે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જોકે, ડીસાની સરકારી હોસ્પિટલમાં પૂરતી સુવિધાઓ ન હોવાના કારણે પ્રાથમિક સારવાર આપી ઇજાગ્રસ્તોને અન્ય હોસ્પિટલમાં રીફર કરાયા હતા.