બનાસકાંઠાના ડીસામાં દિન દહાડે પોલીસ પરિવારના બંધ મકાનમાંથી અજાણ્યા શખ્સો લાખો રૂપિયાના સોનાના દાગીનાની ચોરી કરી ફરાર થઈ હોવાની ઘટના સામે આવી છે. બનાવની પગલે ડીસા શહેર દક્ષિણ પોલીસે ઘટના સ્થળે પહોંચી અજાણ્યા તસ્કરોની શોધખોળ હાથ ધરી છે.

ડીસા શહેરના ભરચક વિસ્તારમાંથી લાખો રૂપિયાના સોનાના દાગીના ચોરી થઈ છે. રેલવે સ્ટેશન વિસ્તારમાં રહેતા રવિશકુમાર સુલોદીયા પોતાની માતા સાથે રહે છે. જેઓ ગઈકાલે કામ આવશે છાપી ગામે ગયા હતા જ્યારે તેમની માતા પણ લગ્ન પ્રસંગે ગયા હતા. તેમજ પાંચથી છ કલાક બાદ મોડી સાંજે છ વાગે તેઓ ઘરે પરત આવતા મકાનનો દરવાજો ખુલ્લો દેખાયો હતો.

 જેથી તેઓ તરત જ અંદર જઈ તપાસ કરતા કોઈ અજાણ્યા તસ્કરો તેમના મકાનના મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ્યા હતા અને બે તિજોરી, બે કબાટ અને બે સૂટકેસ તોડી તેમાંથી 14 તોલાના સોનાના દાગીના અને ₹15,000 રોકડ રકમની ઉઠાન્તરી કરી ગયા હોવાનું માલુમ પડ્યું હતું. ઘરમાં ચોરી થઈ હોવાનું જાણતા જ ચિંતાતુર બનેલા પરિવારે તરત જ પોલીસને જાણ કરી હતી. જેથી ડીસા શહેર દક્ષિણ પોલીસની ટીમ પણ તરત જ ઘટનાસ્થળે પહોંચી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, રવીશકુમારના પિતા ધરણીધર બાબુલાલ સુલોદીયા હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા અને 2009 માં પાલનપુર ખાતે જિલ્લા પોલીસ વડાની કચેરીએ ફરજ દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. ત્યારબાદ રમેશકુમાર તેમની માતા સાથે એકલા રહેતા હતા. તેવામાં અજાણ્યા શખ્સોએ પોલીસ પરિવારના બંધ મકાનને નિશાન બનાવતા પોલીસ પણ ચોકી ઉઠી છે. જેથી હવે પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુન્હો નોંધી તસ્કરોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.