ડીસામાં નવા બસ સ્ટેન્ડ પાસેથી એક જ મહિનામાં બે બાઈકની ઉઠાંતરી થઈ છે. જે મામલે ફરિયાદ નોંધાતા ડીસા શહેર ઉત્તર પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોધી શોધખોળ હાથ ધરી છે.
ડીસા શહેરમાં આવેલા નવા બસ સ્ટેન્ડ પાસે બાઈક ચોરે તરખાટ મચાવી છે અને એક જ મહિનામાં અલગ અલગ જગ્યાએથી બે બાઈકની ચોરી કરી અજાણ્યા શખ્સો ફરાર થઈ ગયા છે. જેમાં ભોપાનગર વિસ્તારમાં રહેતા જામતારામ માળીની નવા બસ સ્ટેન્ડ પાસે સુંધા સેલ્સ નામની મોબાઈલ દુકાન આવેલી છે. તેઓ એક મહિના અગાઉ રાબેતા મુજબ દુકાનની દિવાલ પાસે બાઈક પાર્ક કરી દુકાનમાં વેપાર કરી રહ્યા હતા. તે સમયે કોઈ અજાણ્યો વ્યક્તિ બાઈક ચોરી કરી જતા તેમણે ફરિયાદ નોંધાવી હતી.
ડીસા-પાલનપુર હાઈવે પર આવેલા વિધાન બંગલોઝ ખાતે રહેતા વિનોદભાઈ હિંમતભાઈ ઠક્કર જીઆઇડીસીમાં મરચા હળદર દળવાની ફેક્ટરી ચલાવી વેપાર કરે છે. જેઓ તેમની પત્ની સાથે કુળદેવીના દર્શન કરવા માટે જવાનું હતું. જેથી તેઓ ગત 13 એપ્રિલના રોજ સવારે તેમની પત્ની સાથે બાઈક પર નવા બસ સ્ટેન્ડ ગયા હતા અને ત્યાં તેમના મિત્રની ઓફીસ આગળ બાઈક પાર્ક કરી બસમાં બેસીને કુળદેવીના દર્શન કરવા માટે વારાહી ગયા હતા.
ત્યારબાદ બપોરના સમયે દર્શન કરી તેઓ પરત આવી જોતા પાર્ક કરેલી જગ્યાએ બાઈક દેખાયું ન હતું. તેથી તેમણે આજુબાજુમાં તપાસ શરૂ કરી હતી, પરંતુ બાઈક મળી આવ્યું ન હતું. ત્યાર બાદ તેમના ઘરે સામાજીક પ્રસંગ હોવાથી તેઓ વ્યસ્ત થઇ ગયા હતા. જે મામલે વિનોદભાઈ ઠક્કરે આજે અજાણ્યા તસ્કર સામે ફરિયાદ નોંધાવતા ડીસા શહેર ઉત્તર પોલિસે તપાસ હાથ ધરી હતી.