ડીસાના ગાયત્રી મંદિર પાસે બુધવારે સાંજે બાઇક ચાલકને સામેથી ટ્રક ચાલકે ટક્કર મારતાં પરપ્રાંતિય બાઇક ચાલકને ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. યુવકની લાશને તેના વતન મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં લઇ જવાઇ હતી.
મૂળ મધ્યપ્રદેશના વતની અને ડીસામાં નાસતાની લારી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતો રવિ યાદવ નામનો યુવક બુધવારે સાંજે બાઈક લઈને ગાયત્રી મંદિર પાસેથી પસાર થઈ રહ્યો હતો. તે સમયે સામેથી આવી રહેલી ટ્રકના ચાલકે ગફલતભરી રીતે ડ્રાયવીંગ કરી બાઇક ચાલકને ટક્કર મારી હતી. અકસ્માતમાં બાઈક સવાર યુવક રોડ પર પટકાતા ગંભીર ઈજા પહોંચી હતી.
આ બનાવને પગલે આજુબાજુના લોકોએ દોડી આવી રાહત કામગીરી શરૂ કરી હતી. અકસ્માતની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ વાનની ટીમ તરત બનાવ સ્થળે પહોંચી હતી અને ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન યુવકનું મોત થયું હતું. મૃતકના પરિવારજનો અને સગા સબંધીઓ હોસ્પિટલમાં પહોંચ્યા હતા અને યુવકની લાશને તેના વતન ગ્વાલિયરમાં લઇ જવાઇ હતી.