ડીસા નગરપાલિકામાં ગત મોડી સાંજે બે કર્મચારીઓ લાંચ લેતા રંગે હાથ ઝડપાયા હતા. એસીબીની ટીમે લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર બનાવી આપવા માટે 3000 રૂપિયાની માંગણી કરતા બે કર્મચારીઓને પકડી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
ડીસા નગરપાલિકામાં લગ્ન નોંધણીના પ્રમાણપત્રો માટે લાંચ માગી હોવાની ઘટના સામે આવી છે. જેમાં અરજદારે લગ્ન નોંધણી પ્રમાણપત્ર મેળવવા માટે નગરપાલિકામાં કામ કરતા ક્લાર્ક નારણભાઈ સોલંકી અને હંગામી કોમ્પ્યુટર ઓપરેટર ભાવિકભાઈ ચૌહાણનો સંપર્ક કર્યો હતો. જે બંનેએ લગ્ન પ્રમાણપત્ર આપવા માટે 3000 રૂપિયાની લાંચ લાગી હતી. જે મામલે અરજદારે બનાસકાંઠાની પાલનપુર ખાતે આવેલી એસીબીની ઓફિસે રજૂઆત કરી હતી.
રજૂઆતને પગલે એસીબી પી.આઇ એન.એ.ચૌધરીની ટીમે નગરપાલિકામાં છટકુ ગોઠવ્યું હતું અને પ્રમાણપત્ર આપવા માટે 3000 રૂપિયાની લાચ લેતા બંને કર્મચારીઓને રંગે હાથ ઝડપી લીધા હતા. એસીબીની ટીમે અત્યારે લાંચની રકમ જપ્ત કરી બંને કર્મચારીઓની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.