હર ઘર તિરંગા અભિયાન જાગૃત્તિ

માટે અમરેલી નગરમાં તિરંગા યાત્રાનું આયોજન

અમરેલી તા.૧૨ ઓગસ્ટ, ૨૦૨૨ (શુક્રવાર) સમગ્ર દેશ સહિત રાજ્યમાં અને અમરેલી જિલ્લામાં આગામી તા.૧૩ થી તા.૧૫ ઓગસ્ટ દરમિયાન વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના આહ્વાનના પગલે ' હર ઘર તિરંગા' અભિયાન હેઠળ દરેક ઘરે, સંસ્થાઓમાં, વ્યાવસાયિક પ્રતિષ્ઠાનો પર રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવશે. આ અભિયાનમાં લોકો સ્વંયભૂ જોડાઈ રહ્યા છે ત્યારે વધુમાં વધુ લોકો રાષ્ટ્રપ્રેમના આ પર્વમાં સહભાગી થાય તેવા હેતુથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજે અમરેલી શહેરમાં એક 'તિરંગા યાત્રા'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં રાજકીય આગેવાનો, નાગરિકો, વિદ્યાર્થીઓ, વેપારીઓ, ખેડૂતો, મહિલાઓ સહિતના સમાજના તમામ વર્ગના લોકો જોડાયા હતા. શહેરના સિનિયર સિટિઝન્સ પાર્ક ખાતેથી પ્રસ્થાન થઈ આ રેલી દેશભક્તિના ગીતોના તાલ સાથે શહેરના હાર્દસમા નાગનાથ ચોક, નાના બસ સ્ટેન્ડ થઈ સિનિયર સિટિઝન્સ પાર્ક પરત ફરી હતી. હાથમાં તિરંગા સાથે શહેરના અનેક અગ્રણીઓ જોડાયા હતા. આ રેલીમાં જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિકભાઈ વેકરીયા, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડીકેટ સભ્યશ્રી પાર્થિવભાઈ જોશી, જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી વી.બી. પરમાર સહિતના અધિકારીશ્રીઓ અને પદાધિકારીશ્રીઓ અને બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

    રીપોર્ટર... ભરતભાઈ ખુમાણ રાજુલા અમરેલી