પાલનપુર નજીક દેવપુરા બ્રિજ પર ઇકોને પાછળથી ટ્રેલર ચાલકે ટક્કર મારતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ઇકો ચાલકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. તેમજ ઇકોમાં સવાર 6 મુસાફરોને ઈજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટના સ્થળે લોકોના ટોળા ભેગા થયા હતા.

પાલનપુર-ડીસા હાઇવે પર આવેલ દેવપુરા નજીક બ્રિજ પર પાલનપુર તાલુકાના મડાણા (ગઢ) ગામેથી મુસાફર ભરીને પાલનપુર આવી રહેલ ઇકો નંબર જીજે-24-એએ-0422 ને પાછળથી આવી રહેલા ટ્રેલર નંબર જીજે-12-બીએક્સ-8818 ના ચાલકે ટક્કર મારી હતી. આ ગમખ્વાર અકસ્માતમાં ઇકો ચાલક ઉમેદજી માધુજી અનાવાડિયા (રહે.મડાણા-ગઢ) ને ગંભીર ઈજાઓ થતાં તેમનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે ઇકોમાં સવાર છ મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. બનાવને પગલે આજુબાજુથી લોકો દોડી આવ્યા હતા.

આ ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવતા પશ્ચિમ પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. જ્યાં ઇજાગ્રસ્ત મુસાફરોને સારવાર અર્થે તેમજ લાશને પી.એમ. અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવી હતી.