ડીસા શહેરના ગવાડી વિસ્તારમાં રહેતા યુવકને ચાર શખ્સોએ જૂની અદાવત રાખી પાલનપુર હાઇવે પર કલ્યાણપુરા પાટીયા પાસે માર મારતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા યુવકને સારવાર માટે ખસેડાયો હતો. યુવકે ચારેય સામે ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

આ અંગેની વિગત એવી છે કે, ડીસા તાલુકાના મહમદપુરા ગવાડી વિસ્તારમાં રહેતા ઇરફાનભાઈ ઇસ્માઈલભાઈ સુમરા રવિવારે પોતાની પત્ની તથા પુત્રને ચંડીસર તેમના સાસરીયામાં મૂકીને પરત આવતા હતા. ત્યારે ડીસા-પાલનપુર હાઇવે પર કલ્યાણપુરા ગામના પાટીયા પાસે નજીરભાઈ કાયમભાઈ સુમરા, મહેબૂબભાઈ કાયમભાઈ સુમરા, પીરમહંમદ રમજાનભાઈ ફકીર તેમજ રાહુલ રાવળ રસ્તામાં ઉભા હતા.

તેઓએ રીક્ષા ઇરફામના બાઈક આગળ આડી કરી તેને ઉભો રાખી "કેમ તે અગાઉ તમારા કાકા અને અમારી બહેનને ઝઘડો થયેલો ત્યારે તે કેમ ઉપરાણું લઈને અમને માર મારેલો અને ઠપકો આપેલો" તેમ કહી ચારેય શખ્સોએ લાકડી અને લોખંડના પંચથી હુમલો કરી માર માર્યો હતો.

ઇરફાનને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેમાં ઇરફાનને હાથે-પગે તેમજ કાનના ભાગે ગંભીર ઇજા થતાં લોહી નીકળતું હોવાથી તાત્કાલિક સારવાર માટે ડીસા સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો. જે બનાવ અંગે તેણે ચારેય શખ્સો સામે ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ એ.એસ.આઇ. દિનેશભાઇ પરમાર ચલાવી રહ્યા છે.