જન્મદિવસ નિમિત્તે લોકો લખલુંટ ખર્ચ કરતાં હોય છે અને ઘણી વખત તો કેક સહિતની ખાદ્ય સામગ્રીને મોઢા ઉપર લગાવીને ખોરાકનો બગાડ કરીને રૂપિયાનું પાણી કરતાં હોય છે ત્યારે મોરબીના એક પરિવાર દ્વારા પોતાના પૌત્રના જન્મદિવસ પ્રસંગે જરૂરિયાતમંદ પરિવારની દીકરીના લગ્ન કરાવી આપવામાં આવ્યા હતા અને ખરેખર સમાજ માટે પ્રેરણારૂપ કહી શકાય તેવું કાર્ય કરવામાં આવ્યું છે તેની કરીને તે પરિવારની ભારોભાર પ્રશંસા થઈ રહી છે

મોરબીમાં રહેતા સ્વ. અમરશીભાઈ કેશાભાઈ ભીમાણી પરિવારના બાબુભાઈ અમરશીભાઈ ભીમાણી જેઓ બાંધકામ વ્યવસાય સાથે ગારમેન્ટ અને ઇલેક્ટ્રીક શોરૂમ સહિતના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને તેમના દીકરા ઉદય બાબુભાઈ ભીમાણી અને વૈશાલીબેન ઉદયભાઇ ભીમાણીના પુત્ર ઉર્વના પાંચમાં જન્મદિવસ નિમિત્તે અન્ય કોઈ ખર્ચ કરવાના બદલે ભીમાણી પરિવાર દ્વારા જરૂરિયાતમંદ પરિવારની દીકરીના લગ્ન કરાવી આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જેમાં ગંગાસ્વરૂપ ભારતીબેન તથા સ્વ. હસમુખગીરી હરદેવગીરી ગોસ્વામીની દીકરી માધવીના લગ્ન મોરબી નિવાસી ચેતનાબેન તથા રમેશગીરી લીલાગીરી ગોસ્વામીના દીકરા સંજયગીરી સાથે કરાવી આપવામાં આવ્યા હતા. જે રીતે પોતાની દીકરીના લગ્નમાં કોઈ કચાશ રાખવામા ન આવે આવી જ રીતે ભિમાણી પરિવાર દ્વારા આ લગ્ન માટે પણ કંકોત્રી છપાવીને મહેમાનોને બોલાવવામાં આવ્યા હતા અને ધામધુમથી દીકરી માધવીના લગ્ન કરાવ્યા હતા