અમરેલી જિલ્લાને હરિયાળો અને પ્રદૂષણ મુક્ત બનાવવા માટે સઘન વૃક્ષારોપણ કરવાની અપીલ
અમરેલી તા.૧૨ ઓગસ્ટ,૨૦૨૨ (શુક્રવાર) હરિયાળું ગુજરાત અને હરિયાળું અમરેલી બનાવાની નેમ સાથે વન વિભાગ દ્વારા પ્રતિ વર્ષ 'વન મહોત્સવ'નું આયોજન કરવામાં આવે છે. આ ઉદ્દેશ્ય સાથે 'વન મહોત્સવ' કડીના ભાગરુપે અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામે વિરાણી ફાર્મસી કોલેજના પ્રાગંણમાં જિલ્લાના કક્ષાનો '૭૩મો વન મહોત્સવ' કલેક્ટરશ્રી ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને સંપન્ન થયો હતો. આ કાર્યક્રમના પ્રારંભે નાયબ વન સંરક્ષકશ્રી સામાજિક વનીકરણ વિભાગ ડૉ. પ્રિયંકા ગેહલોતે મહેમાનોનું સ્વાગત કર્યુ હતું.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત પૂર્વ કૃષિમંત્રીશ્રી વી.વી. વઘાસિયાએ જણાવ્યુ કે, વધતા જતા પ્રદૂષણને અટકાવવા માટે વૃક્ષારોપણ એ જ એક ઉપાય છે. આપણે વૃક્ષોનું જતન કરીએ તે માટે સરકાર લોકભાગીદારીથી આ પ્રકારે વન ઉત્સવ ઉજવે છે. સરકારશ્રી દ્વારા વન મહોત્સવ દ્વારા લોકોને જાગૃત્ત કરવાનું કામ કરવામાં આવી રહ્યું છે ત્યારે નાગરિકોએ પણ વૃક્ષો વાવી તેના જતનનો સંકલ્પ કરવો જોઈએ. આ તકે પૂર્વ મંત્રીશ્રીએ ઉપસ્થિત સૌને પીપળાના વૃક્ષનું વાવેતર કરવાનો સંકલ્પ લેવડાવ્યો હતો.
સાંસદશ્રી નારણભાઈ કાછડીયાએ પ્રકૃતિના સંવર્ધન અને જતન માટે વૃક્ષારોપણનો સંદેશો આપ્યો હતો. તેમણે જણાવ્યુ કે, પ્રદૂષણને નાથવા વૃક્ષો ફક્ત વાવવા જ નહીં પરંતુ તેનો સંપૂર્ણ ઉછેર કરવાની તકેદારી લેવી જરુરી છે. જો જિલ્લાના વિવિધ ગામોનાં આગેવાનો આગળ આવી અને બે ગામ વચ્ચે વૃક્ષોની સાંકળ કરી અને વિપુલ પ્રમાણમાં વૃક્ષારોપણ કરે તો તાઉતે વાવાઝોડામાં થયેલી હરિયાળી સંપદાની નુકસાનીને સરળતાથી ભરપાઈ કરી શકાય છે, તેમજ અમરેલી જિલ્લાને નંદનવન બનાવી શકીએ.
કાર્યક્રમમાં ઉપસ્થિત પૂર્વ ધારાસભ્યશ્રી કાળુભાઈ વિરાણીએ વૃક્ષારોપણનો સંદેશ આપતા કહ્યુ કે, ખેતરના શેઢે
ખીજડાનું ઝાડ વાવવાથી અનેક ફાયદા થાય છે. હું પ્રતિ વર્ષ અમારી સંસ્થામાં ૫૦૦ વૃક્ષો રોપવા માટે સંકલ્પબદ્ધ છું ત્યારે સૌના સહિયારા પ્રયાસોથી આપણે આપણા વિસ્તારને નંદનવન બનાવી શકીએ છીએ.
કાર્યક્રમમાં ઉપસ્થિત માનવ મંદિરના સંતશ્રી ભક્તિરામ બાપુએ ઉપસ્થિત સૌ શ્રોતાજનોને એક - એક પીપળો વાવવા સંકલ્પબધ્ધ કર્યા હતા. તેમણે હરિયાળીના જતન માટે સૌને શુભેચ્છા સંદેશ આપ્યો હતો.
આ કાર્યક્રમના અંતે લાભાર્થીઓને નિર્ધુમ ચુલ્લાનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ પ્રકૃતિ અને વન્ય સંપદાના જતન માટે કાર્યરત સંસ્થાઓ અને શ્રેષ્ઠીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિનેશ ગુરવ, જિલ્લા પોલીસ વડાશ્રી હીમકર સિંઘ, નાયબ વન સંરક્ષક ડૉ. પ્રિયંકા ગેહલોત, જિલ્લા શિક્ષણ સમિતિના અધ્યક્ષશ્રી વિપુલ ભાઈ દુધાત, પ્રાંત અધિકારીશ્રી સાવરકુંડલા, વન વિભાગના અધિકારીશ્રીઓ કર્મચારીશ્રીઓ જિલ્લાના પ્રકૃત્તિપ્રેમીશ્રી ખુમાણ તેમજ જિલ્લાના વિવિધ ક્ષેત્રના આગેવાન સર્વશ્રી મનુભાઈ ધાખડા, કમલેશભાઈ કાનાણી, શરદભાઈ પંડ્યા અને વિદ્યાર્થીઓ તેમજ આસપાસના ગામનો સરપંચશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રીપોર્ટર.. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી