ડીસાના જુનાડીસા ગામ પાસે વીજ કરંટ લાગતા વધુ એક વ્યક્તિનુ મોત નિપજ્યું હોવાની ઘટના સામે આવી છે. હંગામી વીજકર્મી તરીકે કામ કરતા આધેડ વીજ થાંભલા પર ગત રાત્રે વીજ લાઈનનું કામ કરી રહ્યો હતો તે દરમિયાન કરંટ લાગતા દુર્ઘટના બની હતી.

ડીસા તાલુકાના વાસણા નવા ગોળીયા ગામે રહેતાં 50 વર્ષીય જશવંતસિંહ ખેતાજી ઠાકોર તરીકે છેલ્લા 10 વર્ષથી UGVCLમાં હંગામી કર્મચારી તરીકે કામ કરતા હતા. ગત રાત્રે વીજફોલ્ટ થતાં તેઓ જુનાડીસા પાસે આવેલ વીજ પોલ પર સમારકામ કરી રહ્યા હતા.

તે દરમિયાન અચાનક વીજ કરંટ લાગતા તેઓ નીચે પટકાયા હતા નીચે પડતા જ તેમને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા લોહીલુહાણ થઈ ગયા હતા. ઘટનાને આજુબાજુના લોકો તેમના પરિવારજનો તેમજ UGVCL ના કર્મચારીઓ પણ તરત જ ત્યાં પહોંચ્યા હતા અને ગંભીર રીતે વીજકર્મીને સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. પરંતુ હોસ્પિટલમાં પહોંચે તે પહેલાજ વિજકર્મીનુ મોત નિપજ્યું હતું.

મૃતક જશવંતસિંહ ત્રણ સંતાનોના પિતા હતા અને બે પુત્રી પર હમણાં જ 17 દિવસ પહેલા પુત્ર થતા પરિવારમાં ખુશીનો માહોલ હતો. પરંતુ આકસ્મિક તેમના અવસાનથી ત્રણ માસૂમ બાળકો નોધારા બનતા પરિવારમાં માતમ છવાયો છે.