ડીસા તાલુકાના એક ગામમાં પ્રેમિકાએ યુવકને અડધી રાત્રે લેવા માટે બોલાવી પ્રેમિકાના પતિ સહિત ચાર લોકોએ ધોકા અને પાઈપો વડે માર માર્યો હતો. બાદમાં માથે મુંડન કરી વીડિયો વાઈરલ કર્યો હોવાની ઘટના સામે આવી છે. જે મામલે ચાર લોકો સામે ફરિયાદ નોંઘાતા ડીસા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ડીસા તાલુકામાં રહેતા લેબાજી બળવંતજી ઠાકોર ખેત-મજૂરી કરીને જીવન ગુજારે છે અને લેબાજીને આઠ મહિના અગાઉ ડીસાના જ એક ગામની યુવતી સાથે પ્રેમ થઈ જતા તેઓ બંને નાસી ગયાં હતાં. બાદમાં બંને જણાં પકડાઈ જતા યુવકનાં પરિવારજનોએ યુવતીને તેના પરિવારને પરત સોંપી હતી.

 તે દરમિયાન બે દિવસ અગાઉ પ્રેમિકાએ લેબાજીને ફોન કરી લેવા માટે બોલાવ્યો હતો. જેથી લેબાજી રાત્રે 12 વાગ્યે બાઇક લઈને યુવતીના ગામે સીએનજી પંપ પાસે પહોંચ્યો હતો. જ્યાં યુવતીના પતિ, તેના સસરા અને બે મહિલાઓ સહિત ચાર લોકોએ અપશબ્દો બોલી ગડદાપાટુનો માર માર્યો હતો.

તેમજ લેબાજીને બળજબરીપૂર્વકે તેમના ઘર તરફ ઉઠાવી જઇ માથે મુંડન કરી તેને માર મારતાનો વીડિયો બનાવ્યો હતો. જેમાં કેટલાક લોકો યુવકને પકડી રાખે છે અને મહિલા તેને માથે મુંડન કરતી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ કર્યો હતો. બાદમાં અન્ય લોકોએ સમજાવતા યુવકને ડીસા તાલુકા પોલીસ મથકે લાવી તેના વિરુદ્ધ અરજી કરી હતી.

આ બનાવને પગલે યુવકનાં પરિવારજનો પણ પોલીસ મથકે પહોંચ્યા હતા અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત લેબાજીને સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેને વધુ સારવાર માટે પાલનપુર સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો. તબિયત સુધરતા પીડિત લેબાજી તાલુકા પોલીસ મથકે પહોંચી યુવતીના પતિ, સસરા સહિત ચાર લોકો સામે ફરિયાદ નોંધાવતા ડીસા તાલુકા પોલીસે વધુ તપાસ કરી છે.

આ બનાવ અંગે યુવક લેબાજી ઠાકોર અને તેની માતા ગીતાબેન ઠાકોરે જણાવ્યું હતું કે, 8 મહિના અગાઉ લેબાજી તે યુવતીને લઈ ભાગી ગયો હતો. જો કે યુવતીને તેના પરિવારજનોને પરત સોંપી દીધી હતી. તે દરમિયાન ગત રાત્રે યુવતીનો ફોન આવ્યો હતો અને મને લઈ જા નહિતર હું મરી જઈશ એવું કહેતાં લેબાજી યુવતીના ગામે પહોંચ્યો હતો. જ્યાં યુવતીના પતિ, સસરા સહિત 20થી 25 લોકોએ તેની સાથે મારઝૂડ કરી હતી અને માથે મુંડન કરી વીડિયો વાઈરલ કર્યો હતો. જે મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.