ડીસા-રાધનપુર નેશનલ હાઇવે પર વડાવળ પાસે બાઇક સ્લીપ ખાતા અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. અકસ્માતમાં બાઈક ચાલક યુવકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.
ડીસા તાલુકાના દામા (ઠાકોરવાસ) ખાતે રહેતાં વિશાલ નગીનદાસ સૈની (માળી) (ઉં.વ.આ. 27) ડીસાથી રાધનપુર નેશનલ હાઇવે પર બાઇક લઇને પસાર થઈ રહ્યો હતો. અને વડાવળ પાસે મહાદેવપુરા નાળા નીચેથી પસાર થઈ રહ્યો હતો. તે સમયે વળાંકમાં અચાનક ચાલકે સ્ટેયરીંગ પરથી કાબૂ ગુમાવતા બાઈક સ્લીપ ખાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઈક ચાલક રોડ પર પટકાતા એને ગંભીર ઈજા પહોંચી હતી.
અકસ્માતને પગલે આજુબાજુના લોકો તરત જ દોડી આવી રાહત કામગીરી શરૂ કરી હતી અને બનાવ અંગે જાણ કરતા 108 એમ્બ્યુલન્સ વાનની ટીમ પણ તરત જ ઘટના સ્થળે પહોંચ હતી.
તેમજ અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત બાઇક ચાલકને સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડવા તજવીજ હાથ ધરી હતી. જો કે, તે સમયે બાઈક ચાલકનુ કરુણ મોત નીપજ્યું હતું. જેથી મૃતકની લાશને પીએમ રૂમમાં ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.