ડીસા-પાટણ હાઈવે પર ભોપાનગર નજીક મોડી રાત્રે ટ્રેનની અડફેટે આવીને કપાઈ જતા એક યુવકનું મોત નીપજ્યું છે. આ દુર્ઘટનામાં ટ્રેન નીચે કચડાઈ જતા યુવકનું હાથ અને માથું ધડથી અલગ થઈ ગયા હતા. બનાવને પગલે રેલવે પોલીસ અને ડીસા તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
ડીસા-પાટણ હાઈવે પર આવેલ ગોપાલનગર રેલવે ફાટક પાસે ટ્રેનની અડફેટે આવતા યુવકનું મોત નીપજ્યું છે. મોડી રાત્રે બનેલી આ ઘટનામાં અજાણ્યો યુવક રેલવે ટ્રેક પરથી પસાર થઈ રહ્યો હતો તે સમયે ટ્રેનની અડફેટે આવી જતા દુર્ઘટના સર્જાઇ હતી. યુવકના શરીર પરથી મહાકાય ટ્રેન પ્રસાર થતાં યુવકનું હાથ અને માથું ધડથી અલગ થઈ ગયું હતું. રેલવે પોલીસ તરત જ બનાવ સ્થળે પહોંચી હતી. જ્યારે ડીસા તાલુકા પોલીસને પણ ઘટનાની જાણ થતા તરત જ બનાવ સ્થળે પહોંચી હતી.
યુવકે આત્મહત્યા કરી છે કે પછી ટ્રેનની નીચે આવી જતા અકસ્માતમાં તેનું મોત થયું છે તે ચોક્કસ કારણ જાણી શકાયું નથી. પરંતુ પોલીસે અત્યારે રેલવે ટ્રેક પર ક્ષત વિક્ષત હાલતમાં પડેલી લાશનું પંચનામું કરી ડીસાની સરકારી હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડી છે. તેમજ અકસ્માતે મોતનો ગુનો નોંધી યુવકના પરિવારની શોધખોળ હાથ ધરી હતી.