ડીસા તાલુકાના જૂનાડીસામાં ખેડૂતે ખેતરમાં ઝાટકા મશીન લગાવ્યા વિના સીધો 240 વોલ્ટનો કરંટ ઉતારતાં સોમવારે સાંજે રમતાં રમતાં ફેન્સિંગ વાડને અડી ગયેલા 12 વર્ષિય કિશોરનું દર્દનાક મોત નીપજ્યું હતુ.ખેડૂતે ઝાટકા મશીન લગાવ્યા વિના ઓરડીમાંથી સીધા જ પસાર થઇ રહેલા વીજ કરંટ લાગતાં નીચે પટકાયો હતો.

જેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવતાં તબીબે મૃત જાહેર કર્યો હતો. બેદરકારી દાખવી નિર્દોષ કિશોરની હત્યા કરનારા બે ખેડૂતો સામે પોલીસે સાપરાધ માનવવધનો ગૂનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.નોંધનીય છે કે, ઝાટકા મશીન 240 વોલ્ટને સામાન્ય 10 વોલ્ટમાં ફેરવી નાખે છે.કોઇ પશુ કે મનુષ્ય તેને અડકે તો સામાન્ટ ઝટકો લાગે છે તેનાથી મોત થતું નથી.

ડીસા તાલુકાના જૂનાડીસા રાજપુર રોડ ઉપર આવેલા ખેતરમાં રહેતા નલિનભાઈ માળીનો પુત્ર નૈતિક (ઉ.વ.12) સોમવારે સાંજના સુમારે રમવા માટે ગયો હતો. જ્યાં બાજુમાં હિરાભાઇ પિતામ્બરભાઇ માળી જેમણે ખેતર રમેશભાઇ નાનુરામ માળીને ઉઘડથી વાવવા માટે આપેલા ખેતર ફરતે ફેન્સિંગ તારની વાડમાં ઝાટકા મશીનના વાયર પસાર થતા હતા. દરમિયાન નૈતિકનો જમણો હાથ તારની વાડને અડકી જતાં વીજકરંટથી તે નીચે પટકાયો હતો. ઘટનાની જાણ થતાં આજુબાજુના લોકો અને તેના પરિવારજનો દોડી આવ્યા હતા.

ગંભીર હાલતમાં નૈતિકને 108માં ડીસા સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જહેર કર્યો હતો. આ અંગે મૃતક નૈતિકના દાદા ગોવિંદભાઇ કાળુભાઇ માળીએ ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે હિરાભાઇ પિતામ્બરભાઇ માળી અને રમેશભાઇ નાનુરામ માળી સામે આઇપીસી કલમ 304 (સાપરાધ મનુષ્યવધ), 114 (દુમ્પ્રેરણ)નો ગૂનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષમાં પાલનપુરના ગઠામણ નજીક માતા બે પુત્રો,ડીસાના જુના સણથ ગામે માતા- પુત્રી, થરાદના બેવટામાં યુવક મળી 7 વ્યકિતઓના ઝાટકા મશીનના કરંટથી મોત થયા હતા. આ અંગે ઉત્તર ગુજરાત વીજકંપની, પાલનપુરના સૂત્રોએ જણાવ્યું હતુ કે, આ ઘટનાઓમાં ઝાટકામશીનથી વ્યકિતઓના મોત થયા હોવાના એકપણ પુરાવા મળ્યા નથી.જેથી ખેડૂતો સામે કેસ કરી શકાયો નથી.

વીજ બોર્ડમાંથી વાયર ઝાટકા મશીનમાં આપવામાં આવે છે. જેની મુખ્ય કોયલ 240 વોલ્ટને સામાન્ય 10 વોલ્ટમાં ફેરવી નાખે છે. જે નોર્મલ કરંટ વીજવાયરમાં સતત ચાલુ રહે છે. કોઇ પશુ કે મનુષ્ય તેને અડકે તો મોત થતું નથી. જુના ડીસાની ઘટનામાં ખેડૂતે ખેતરની ફરતે મશીનના વાયર લગાવ્યા હતા. પરંતુ વચ્ચે મશીન ન લગાવી સીધા જ ઓરડીના બોર્ડમાંથી કનેકશન આપી દીધુ હોવાથી નિર્દોષ નૈતિકનો જીવ ગયો હતો.

ગોવિંદભાઇ માળી (ઉ.વ.55) ના પરિવારમાં તેમનો પુત્ર નલીનભાઇ સોમવારે અગરબત્તીના કારખાને ગયા હતા. પત્ની જોસનાબેન, પુત્રવધુ ફાલ્ગુનીબેન બપોરે ઘરકામ કરતા હતા. ત્યારે એકનો એક પૌત્ર નૈતિક રમવા માટે ગયો હતો. જે ઘણો સમય થયો હોવા છતાં પરત ન આવતાં ગોવિંદભાઇ તેના પગના નિશાનો જોઇને શોધવા નીકળ્યા હતા. જ્યાં તેમના પડતર ખેતરની બાજુમાં નૈતિક ગેલ્વેનાઇઝના તાર વચ્ચે ફસાયેલો મળ્યો હતો.

હિરાભાઇ પિતામ્બરભાઇ માળી અને રમેશભાઇ નાનુરામ માળીએ ખેતર ફરતે ઝાટકા મશીનના ગેલ્વેનાઇઝના તાર બાંધ્યા હતા. વચ્ચે મશીન ફીટ કર્યુ ન હતુ. આ તાર લીમડાના ઝાડના થડ સાથે બાંધેલા હતા. જેના છેડે કાળા કલરના લાઇટના વાયરના છેડા બાંધેલા હતા. જે વાયરને ઓરડીમાંથી સીધુ વીજ કનેકશન આપેલું હતું. જેનો સીધો કરંટ ખેતર ફરતે બાંધેલા તારમાં પ્રસરતો હતો.