આચાર સંહિતા લાગુ પડતા જ બનાસકાંઠા જીલ્લા પોલીસ નાસ્તા ફરતા આરોપીઓ અને અસામાજિક તત્વોને પકડવા માટે કમર કસી છે. ત્યારે આગથળા પોલીસે પણ બળાત્કાર અને પોક્સોના ફરાર આરોપીને પકડી ડીસા સર્કલ પીઆઇને સોંપ્યો છે.

બનાસકાંઠા જીલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ સૂચના આપતા ડીસા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સી.એલ.સોલંકીના માર્ગદર્શન હેઠળ ડીસા સર્કલ પીઆઇ બી.પી મેઘલાતરે ફરાર આરોપીઓ મામલે તપાસ શરૂ કરી હતી. તે દરમિયાન આગથળા પીએસઆઇ પી એચ જાડેજાની ટીમ આચાર સંહિતાના ચુસ્ત અમલ અને ફરાર આરોપીઓને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસ કરી હતી.

આ દરમિયાન છ મહિના અગાઉ બળાત્કાર અને પોક્સોનો ફરાર આરોપીની માહિતી મળતા જ ટીમ રાજસ્થાન જવા રવાના થઈ હતી અને રાજસ્થાનના દુગાવા ગામના નરસાજી મફાજી પ્રજાપતિને રાઉન્ડ અપ કરી ઝડપી પાડ્યો હતો.

 આ 40 વર્ષીય આધેડ આરોપીએ સગીર યુવતીને લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો અને તેની સાથે બળાત્કાર ગુજારતા ફરિયાદ નોંધાઇ હતી. ત્યારે હવે પોલીસે આ આરોપીને રાજસ્થાનથી પકડી લાવી ડીસા સર્કલ પીઆઇને સોંપતા તેમણે વધુ તપાસ હાથ ધરી છે.