Lok Sabha Election 2024: લોકસભાની ચૂંટણીમાં ભાજપે આ વખતે ઉમેદવાર પસંદ કરવામાં જાણે કાચુ કાપ્યુ છે જેના કારણે સાબરકાંઠા ઉપરાંત જૂનાગઢ, અમરેલી, વલસાડમાં ઉમેદવાર બદલવા માગ ઉઠી છે. સાથે સાથે ક્ષત્રિય સમાજ વિરુધ્ધ ટિપ્પણી કરતાં કેન્દ્રીય મંત્રી પરશોતમ રુપાલા સામે વિરોધ વંટોળ ઉઠ્યો છે. રૂપાલાની ટિકિટ રદ કરી અન્યને ઉમેદવાર તરીકે જાહેર કરવા ક્ષત્રિયોએ મોરચો માંડયો છે. અગાઉ વિરોધ વકરતા જ ભાજપે સાબરકાંઠા અને વડોદરામાં ઉમેદવાર બદલવા પડયા હતાં. ભાજપ હાઇકમાન્ડે સ્પષ્ટ વલણ અખત્યાર કર્યું છે કે, હવે કોઇપણ ભોગે જાહેર કરેલાં ઉમેદવાર નહી બદલાય. ખુદ ભાજપના પ્રદેશ નેતાઓ માની રહ્યા છે કે, જો ઉમેદવાર બદલવામાં આવશે તો ભાજપને પાટીદાર સહિત અન્ય સમુદાયની નારાજગી વ્હોરવી પડી શકે છે.